૬ દાયકા પહેલાં લુપ્ત થયેલાં ચિલોત્રા પક્ષી ફરી દેખાતાં થયાં ગીર જંગલમાં

15 July, 2026 07:07 AM IST  |  Gir | Gujarati Mid-day Correspondent

૨૦૨૧માં ઇન્ડિયન ગ્રે હૉર્નબિલને અરવલ્લીનાં જંગલોમાંથી લાવીને પાછાં વસાવવામાં આવ્યાં

ગીરના જંગલમાં વસેલાં ઇન્ડિયન ગ્રે હૉર્નબિલ બર્ડ.

ગીરના જંગલમાં ૬ દાયકા પહેલાં વિલુપ્ત થઈ ગયેલાં ઇન્ડિયન ગ્રે હૉર્નબિલ જેને ચિલોત્રો કહેવામાં આવે છે અે પક્ષી ફરી પાછાં ગીરના જંગલમાં દેખાયાં છે અને અેને વસાવવાના પ્રયત્નોને સફળતા મળી છે.
૬ દાયકા પહેલાં ગીરના જંગલમાંથી વિલુપ્ત થયેલાં આ પક્ષીને ફરી વખત ૨૦૨૧માં અરવલ્લીનાં જંગલોમાંથી લાવીને ગીરના જંગલમાં છોડવામાં આવ્યાં હતાં. ગુજરાત સરકારના ઇન્ડિયન ગ્રે હૉર્નબિલ રી-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટને સફળતા મળી છે. આ પક્ષીઓ હવે ગીરમાં સ્થાયી થઈ ગયાં છે એટલું જ નહીં, એમણે માળા બનાવીને ઘર વસાવ્યું છે. 

બે તબક્કામાં ૪૦ ચિલોત્રાને ગીરનાં જંગલોમાં છોડાયાં  
ચિલોત્રા પક્ષીને ગીરના જંગલમાં મુક્ત કર્યા પછી પ્રથમ વર્ષે એક જોડીએ સફળતાપૂર્વક પ્રજનન કર્યું હતું. જ્યારે બીજા વર્ષે વધારાની ત્રણ સંવર્ધન જોડીઓએ માળો બનાવ્યો હતો. આ દર્શાવે છે કે ચિલોત્રાએ ગીરને ફરીથી પોતાનું ઘર બનાવી લીધું છે. આ પ્રોજેક્ટ હેઠળ બે તબક્કામાં ૪૦ ઇન્ડિયન ગ્રે હૉર્નબિલને ગીરનાં જંગલોમાં મુક્ત કરવામાં આવ્યાં હતાં. આ પૈકી ૧૧ નર પક્ષીઓમાં સૅટેલાઇટ ટ્રાન્સમિટર ફિટ કરવામાં આવ્યાં હતાં જેનાથી વૈજ્ઞાનિકો તેમની હિલચાલ, વસવાટનો ઉપયોગ અને પ્રજનન-વર્તણૂકને જાણી શક્યા છે.

gujarat news gujarat saurashtra wildlife