કોરોનાના સતત વધતા કેસને કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લંબાવાઇ- ગુજરાત સરકાર

15 April, 2021 03:49 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લંબાવવાનો નિર્ણય લીધો છે.

વિજય રૂપાણી (ફાઇલ ફોટો)

કોરોનાના સતત વધતા કેસને કારણે દેશભરમાં સ્થિતિ ખૂબ જ ભયંકર બની રહી છે. તેવામાં જો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય હોય તો તે મહારાષ્ટ્ર અને ગુજરાત છે. ગુજરાતમાં કોરોનાને કારણે સ્થિતિ ખૂબ જ કપરી થઈ રહી છે. એવામાં ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લંબાવવાનો નિર્ણય લીધો છે.

કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાની માહિતી ગુજરાત સીએમઓના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આપવામાં આવી છે. આ ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે, "ગુજરાત સરકારે ધોરણ 10 અને 12ની બૉર્ડની પરીક્ષા લંબાવવાનો નિર્ણય લીધો છે 10મી મેથી 25 દરમિયાન હોઇ શકે છે. અને ધોરણ 1થી 9 તેમજ 11મા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. પરીક્ષા માટેની નવી તારીખો કોરોનાવાયરસની સ્થિતિનું નીરિક્ષણ કર્યા બાદ જાહેર કરવામાં આવશે."

જણાવવાનું કે છેલ્લા 48 કલાકમાં 7410 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 2642 લોકો ડિસ્ચાર્જ થયા અને 73 લોકોના નિધન થયા છે. પરંતુ આ દરમિયાન મૃતદેહોના અંતિમ સંસ્કારને લઈને અનેક શહેરોમાં સ્થિતિ કથડી રહી છે. સ્મશાનને લઈને વેટિંગ થઈ રહ્યું છે તો કેટલાક સ્થળોએ એડવાન્સમાં કબર ખોદવામાં આવી રહી છે.

gujarat Vijay Rupani coronavirus covid19