કોરોનાથી નહીં, કૂતરાથી સાવધાન

14 December, 2021 09:16 AM IST  |  Mumbai | Rashmin Shah

હા, રાજકોટ માટે આ વાત સાચી છે : છેલ્લા એક વીકમાં રાજકોટમાં ૩૮૨ લોકોને ડૉગી-બાઇટ મળ્યા છે

પ્રતીકાત્મક તસવીર

 દેશ જ નહીં, આખી દુનિયા જ્યારે કોરોના અને એના નવા વેરિઅન્ટ ઓમાઇક્રોનથી થથરી રહી છે ત્યારે ગુજરાતના રાજકોટની વાત જુદી છે. રાજકોટમાં લોકો કોરોનાથી નહીં, પણ કૂતરાઓથી ડરે છે અને ડરવું પડે એવા જ આંકડા સામે આવ્યા છે. છેલ્લા એક વીકમાં રાજકોટમાં કોરોનાના ૪ કેસ આવ્યા છે. જીવલેણ પુરવાર થતા ડેન્ગીના ૧૧ કેસ અને સીઝનલ શરદી-ખાંસીના ૧૮૯ કેસ સામે આવ્યા છે, પણ આ બધાથી ચાર ચાસણી ચડતા હોય એમ શેરી-ગલીમાં રખડતા કૂતરા કરડવાના ૩૮૨ કેસ નોંધાયા છે. જો ઍવરેજ કાઢો તો પ્રતિ દિવસના સરેરાશ પંચાવન કેસ ડૉગ-બાઇટના નોંધાયા છે.

રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન કોરોના સામે પણ લડી શકે છે અને ડેન્ગી-મલેરિયા ફેલાવતા મચ્છર સામે પણ ફાઇટ આપી શકે છે, પણ ડૉગી સામે એ લાચાર હોય એવો સિલનારિયો ઊભો થયો છે.

ડૉગ-બાઇટના જે કેસ નોંધાયા છે એમાંથી અડધોઅડધ કેસ રાજકોટમાં બહારથી આવેલા પ્રવાસીઓના નોંધાયા છે અને એટલે જ બીજા શહેરમાંથી આવતા લોકોને સાવચેત કરતી સૂચના રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ગઈ કાલે જાહેર કરવામાં આવી હતી અને શહેરમાં ફરતા ડૉગીથી સલામત અંતર રાખવાનું સૂચન કર્યું હતું.

થાણેમાં ૨૪ કલાકમાં એક કૂતરો ૩૪ જણને કરડ્યો

થાણેના વાગળે એસ્ટેટના ઇન્દિરા નગરમાં થાણે જનતા સહકારી બૅન્ક પાસે ગઈ કાલે એક રખડતા કૂતરાએ સવારથી લઈને સાંજ સુધીમાં ૩૪ જણને બટકું ભર્યું હોવાથી લોકોમાં બહુ જ ગભરાટ ફેલાઈ ગયો હતો. આ બાબતની જાણ ટીએમસી, પોલીસ અને ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. થાણેના ડિઝેસ્ટર મૅનેજમેન્ટના ચીફ સંતોષ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે એ શ્વાનને ઝડપી લીધો છે અને એને હાલ વેટરિનરી ડૉક્ટરના ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે.’  

gujarat gujarat news rajkot Rashmin Shah