ગુજરાતમાં બૅલટ પેપર દ્વારા યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી

23 November, 2021 12:18 PM IST  |  Ahmedabad | Agency

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ૧૦,૮૭૯ ગ્રામ પંચાયતોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો : ૧૯ ડિસેમ્બરે મતદાન થશે

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે જેમાં ગુજરાતમાં ૧૦,૮૭૯ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ઈવીએમથી નહીં, બૅલટ પેપરથી થશે. ૧૯ ડિસેમ્બરે આ માટે મતદાન યોજાશે અને ૨૧ ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર સંજય પ્રસાદે પ્રેસ-કૉન્ફરન્સમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની માહિતી આપતાં ગઈ કાલે કહ્યું હતું કે ‘ગુજરાતમાં ૧૦,૮૭૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે જેમાં ૧૦,૧૧૭ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી, ૬૫ ગ્રામ પંચાયતનું વિભાજન થયું છે એટલે એની ચૂંટણી તેમ જ ૬૯૭ ગ્રામ પંચાયતોની પેટા-ચૂંટણી ૧૯ ડિસેમ્બરે યોજાશે. આ ચૂંટણીમાં મતપેટીઓના ઉપયોગથી મતદાન કરાશે. કુલ ૫૪,૩૮૭ મતપેટીઓની જરૂરિયાત રહેશે અને આયોગ પાસે ૬૪,૬૨૦ મતપેટીઓ ઉપલબ્ધ છે. આ ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના કુલ ૨,૦૬,૫૩,૩૭૪ મતદારો છે. ૧૦,૮૭૯ ગ્રામ પંચાયતોમાં ૧૦,૨૮૪ સરપંચની ચૂંટણી તેમ જ ૮૯,૭૦૨ વૉર્ડ્ઝમાં સભ્યોની ચૂંટણી યોજાશે.’ આ જાહેરાત સાથે ચૂંટણીની આચારસંહિતાનો અમલ શરૂ થયો છે.

કેટલા મતદારો અને 
કેટલાં મતદાન મથકો
પુરુષ મતદારો – ૧,૦૬,૪૬,૫૨૪
સ્ત્રી મતદારો – ૧,૦૦,૦૬,૮૫૦
કુલ મતદારો - ૨,૦૬,૫૩,૩૭૪ 
કુલ મતદાન મથકો - ૨૭,૦૮૫
મતપેટીઓની જરૂર - ૫૪,૩૮૭
ચૂંટણી અધિકારીઓ – ૨૬૫૭
મદદનીશ ચૂંટણી 
અધિકારીઓ – ૨૯૯૦
પોલિંગ સ્ટાફ - ૧,૫૭,૭૨૨
પોલીસ સ્ટાફ - ૫૮,૮૩૩

Gujarat Gujarat news gujarat elections