આંતરરાષ્ટ્રીય સ્તરે કવિ, લેખકો, કલાકારો પસંદ કરતી સમિતિમાં ડૉ. વિષ્ણુ પંડ્યાનો સમાવેશ

05 May, 2021 03:13 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

પહેલીવાર ગુજરાતી સાહિત્યકાર અને ગુજરાત સાહિત્યને મળ્યું આ બહુમાન

ડૉ. વિષ્ણુ પંડ્યા

વર્લ્ડ પિક્ટોરિયલ પોએટ્રી એન્ડ આર્ટ ફોરમ દ્વારા આયોજિત સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય સ્તરે કવિ, લેખકો અને કલાકારોની પસંદગી કરવાની સમિતિમાં પહેલીવાર ગુજરાતી સાહિત્યકાર અને ગુજરાત સાહિત્ય અકાદમીનાઅધ્યક્ષ ડૉ. વિષ્ણુ પંડ્યાની પસંદગી થઈ છે. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. વિષ્ણુ પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વર્ષ ૨૦૨૧ના વિવિધ દેશોના કવિ, લેખકો, કલાકારોમાંથી વિજેતા પસંદ કરનારી સમિતિમાં બે વિશેષ સલાહકાર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે તેમાં મારો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજા નિષ્ણાત તરીકે ઇટલીમાં રહેતા તેમ જ યુરોપીય સાહિત્ય અને મીડિયામાં જાણીતા ગોફ્રેડો પાલ્મેરિની છે. આ સ્પર્ધા વર્લ્ડ પિક્ટોરિયલ પોએટ્રી અૅન્ડ આર્ટ ફોરમ દ્વારા આયોજિત થઈ છે. આ પહેલીવારની ઘટના છે કે કોઈ ગુજરાતી સાહિત્યકારની આ રીતે પસંદગી કરાઈ હોય. નૅશનલ લેવલે હોઈ શકે છે પરંતુ ઇન્ટરનૅશનલ લેવલે ગુજરાત સાહિત્ય અકાદમીને રેકગ્નાઇઝ કરી છે.’

ઉલ્લેખનીય છે કે આ જ રીતે ૧૬૦ દેશોમાં સક્રિય મોટિવેશનલ સ્ટ્રીપ્સના મુખ્ય સલાહકાર તરીકે પણ અકાદમી અધ્યક્ષને ઘોષિત કરાયા છે. અગાઉ ફિલિપિન્સની પેન્ટાસી સાંસ્કૃતિક સંસ્થાએ હૈદરાબાદ અધિવેશનમાં ડૉ. પેનપેનના હસ્તે ડૉ. વિષ્ણુ પંડ્યાને વર્ષનો શ્રેષ્ઠ ઉપલબ્ધીનો એવૉર્ડ આપ્યો હતો.

gujarat ahmedabad