પહેલી વાર ગુજરાત આવ્યા છીએ અને માહોલ ગરમ છે

26 May, 2023 11:51 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતમાં પગ મૂકતાંની સાથે જ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કરી સૂચક માર્મિક ટકોર અને કહ્યું કે હવે ભાગવાનો સમય નથી, હવે તો સનાતન હિન્દુત્વ અને ભગવાન કૃષ્ણ માટે જાગવાનો સમય આવી ગયો છે

ધીરેન્દ્ર શાસ્ત્રી ગઈ કાલે અમદાવાદના વટવા વિસ્તારમાં ચાલી રહેલી દેવકીનંદન મહારાજની શિવપુરાણ કથામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તસવીર જનક પટેલ

ગુજરાતમાં યોજાનારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે અને વિરોધ થયો છે એવા સમય વચ્ચે ગઈ કાલે ગુજરાત આવી પહોંચેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુજરાતમાં પગ મૂકતાંની સાથે જ સૂચક અને માર્મિક ટકોર કરતાં કહ્યું હતું કે ‘અમે પહેલી વાર ગુજરાત આવ્યા છીએ અને માહોલ ખૂબ ગરમ છે.’

ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસ આજથી સુરતમાંથી શરૂ થવાનો હતો, પરંતુ ગઈ કાલે બપોરે તેઓ અમદાવાદના વટવા વિસ્તારમાં ચાલી રહેલી દેવકીનંદન મહારાજની શિવપુરાણ કથામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઍરપોર્ટથી લઈને કથા મંડપ સુધી તેમની ઝલક મેળવવા માટે લોકો મોટી સંખ્યામાં ઊમટ્યા હતા. ઍરપોર્ટ પર લોકોએ ફૂલો વરસાવી તેમને વધાવ્યા હતા.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કથામાં ટૂંકું પ્રવચન કરતાં ગુજરાતને ભક્તિનો પ્રદેશ ગણાવતાં કહ્યું હતું કે ‘અમદાવાદ બહુ જ સારું છે. અમને બહુ જ પ્રસન્નતા થઈ. ગુજરાત બહુ જ અદ્ભુત ભક્તિનો પ્રદેશ છે. અમદાવાદની પાવન ધરતી જ્યાં એક-એક સનાતની ભક્તિની બહારમાં બહેકી રહ્યો છે અને સીતારામનાં ચરણોને પકડીને આગળ વધી રહ્યો છે. આવા ભક્તિના પ્રદેશ ગુજરાતની ધરતીને વારંવાર પ્રણામ.’

પ્રત્યેક સનાતનીએ જાગવા માટે તેમ જ બધા સનાતનીઓને એક થવા હાકલ કરતાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘અમે જગાડી શકીએ, જાગવાનું તમારે છે. એક વાત જિંદગીમાં યાદ રાખજો મારા પાગલો, હવે ભાગવાનો સમય નથી, હવે તો સનાતન હિન્દુત્વ માટે અને કૃષ્ણ ભગવાન માટે જાગવાનો સમય આવી ગયો છે. અત્યારે નહીં જાગીએ તો આવનારી પેઢીઓમાં રામકથા નહીં હોય, ભગવદ ચર્ચા નહીં હોય, મંદિરમાં કોઈ નહીં જાય એટલે પ્રત્યેક સનાતનીઓને જાગવાનું છે. બધા સનાતનીઓ એક થઈ જાઓ. હવે હિન્દુઓ એક થઈ જાઓ. જાત-પાતનો નાતો તોડો, આપણે બધા હિન્દુ એક છીએ એવુ બોલો.’

gujarat news ahmedabad surat shailesh nayak