ચિક્કાર નહીં, શ્રીકાર વરસાદ

25 July, 2021 09:02 AM IST  |  Rajkot | Rashmin Shah

જોકે આજથી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જેને કારણે ગુજરાત સરકારે પણ અકારણ ટ્રાવેલિંગ નહીં કરવાની સલાહ આપી છે

રાજકોટ શહેરમાં ભારે વરસાદને લીધે ગઈ કાલે પાણી ભરાઈ ગયાં હતાં અને વાહનચાલકોને હાલાકી સહેવી પડી હતી

મોન્સૂન લંબાઈ જતાં ગુજરાતમાં ચિંતાનું વાતાવરણ પ્રસરી ગયું હતું પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર વચ્ચે ગઈકાલે ગુજરાતના ૨૧૦ તાલુકામાં એકથી સાત ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. વરસાદનું જોર સૌરાષ્ટ્ર, ઉત્તર-મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યું હતું, જેમાં રાજકોટ જિલ્લો સૌથી આગળ રહ્યો હતો. રાજકોટ જિલ્લામાં બેથી સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ, આવતાં બોંતેર કલાક દરમ્યાન ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સંભાવનાને જોઈને ગુજરાત સરકારે પણ લોકોને અકારણ બહાર ટ્રાવેલ નહીં કરવાની સલાહ આપી છે.

ગઈકાલે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો હતો. રાજકોટમાં ત્રણ જ કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતાં અડધા શહેરમાં અડધાં ફૂટથી બે ફૂટ જેટલું પાણી ભરાયું હતું તો ગોંડલમાં પાંચ કલાકમાં સાત ઇંચ વરસાદ પડતાં કુદરતે જાણે કે ગોંડલમાં કર્ફ્યુ જાહેર કરી દીધો હોય એવો માહોલ્લ સર્જાઇ ગયો હતો. ભારે વરસાદ વચ્ચે કોવિડના કારણે સ્કૂલ-કોલેજ બંધ હોવાથી ખાસ કોઈ તકલીફો પડી નહોતી પણ લોકોને હાલાકી તો ચોક્કસ પડી હતી.

વરસાદ ખેંચાયો હોવાથી ગઈકાલે પડેલા વરસાદને લીધે ખેડૂતો અત્યંત ખુશ થયા હતાં. મગફળી, અડદ, મગ, મકાઈ જેવા પાકો સુકાતાં હતાં પણ આ વરસાદને લીધે એ પાકને જીવતદાન મળી ગયું હતું તો અષાઢી બીજની વાવણી પછીનું મૂર્હુત ગઈકાલના વરસાદને લીધે સચવાઈ ગયું હતું તો સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની તંગીને લીધે નર્મદાનું પાણી લાવવાની જે જોગવાઈ કરવાની દિશામાં કામ ચાલતું હતું એમાં પણ રાહત જોવા મળી હતી. જૂલાઈ મહિનો પૂરો થતાં સુધીમાં ગુજરાતમાં હજુ માત્ર ૨૬.૨૨ ટકા જ વરસાદ પડ્યો હોવાથી ગઈકાલના વરસાદને લીધે સામાન્યજનથી લઈને સરકાર સુદ્ધાંને ટાઢક થઈ હતી.

gujarat Gujarat Rains rajkot ahmedabad Rashmin Shah