બનાસકાંઠા અને જૂનાગઢમાં મેઘ મુશળધાર

18 August, 2022 08:37 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

પાલનપુર હાઇવે પર પાણી ભરાઈ જતાં લાંબો ટ્રાફિક જૅમ ઃ સોસાયટીઓમાં પાણી ફરી વળ્યાં ઃ ડીસા, સુઇગામ, અમીરગઢ, વડગામ સહિતના તાલુકાઓમાં પણ વરસાદથી હાલાકી

પાલનપુરમાં ગઈ કાલે રસ્તા પર ભરાયેલાં વરસાદી પાણી

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના જૂનાગઢમાં ગઈ કાલે મેઘ મુશળધાર વરસ્યો હતો. એમાં પણ જાણે કે બનાસકાંઠાના બેહાલ કર્યા હતા. પાલનપુર હાઇવે પર પાણી ભરાઈ જતાં ટ્રાફિક જૅમ થયો હતો. બીજી તરફ જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, સુઇગામ, અમિરગઢ, વડગામ, વાવ, થરાદ, કાંકરેજ, દાંતા અને લાખણી તાલુકામાં એક ઇંચથી સાત ઇંચથી વધુ વરસાદ પડતાં હાલાકી સર્જાઈ હતી. કંઈ કેટલાંય ગામો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને સામાન્ય જનજીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. દાંતીવાડા તાલુકામાં ગઈ કાલે ચાર વાગ્યા સુધીમાં સાત ઇંચથી વધુ અને પાલનપુર તાલુકામાં સાડાચાર ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે પાલનપુરમાં મલાણા પાટિયા પાસે વરસાદી પાણી ભરાઈ જતાં નૅશનલ હાઇવે પર ટ્રાફિક જૅમ થયો હતો. પાલનપુર પાસેથી પસાર થતા લબડી વોંકળામાં પાણી આવતાં આસપાસની સોસાયટીઓમાં કેડસમા પાણી ભરાઈ જતાં રહીશો પારાવાર હાલાકીમાં મુકાઈ ગયા હતા.

ડીસા તાલુકામાં ભારે વરસાદના પગલે ડીસા પાસે આવેલા સાંપલા ગામે તળાવ ઓવરફ્લો થયું હતું. ડીસા તાલુકાના પંચાયત અને સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં.

બીજી તરફ સિદ્ધપુરમાં રસુલ તળાવ ઓવરફ્લો થતાં ૨૦૦થી વધુ ઘરોમાં પાણી ભરાયાં હતાં.

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ શહેર અને તાલુકામાં ગઈ કાલે ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે નદીમાં પાણી આવતાં દામોદર કુંડ છલકાઈ ગયો હતો, જ્યારે જોષીપરા અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ ગયાં હતાં. જૂનાગઢના વંથલી, માણાવદર, ભેંસાણ, વિસાવદર, મેંદરડા, કેશોદ તાલુકાઓમાં પણ વરસાદ પડ્યો હતો. જામનગર–કચ્છ કોસ્ટલ હાઇવે પર હજનારી નજીક વોંકળામાં પાણી આવતાં હાઇવે બંધ કરવો પડ્યો હતો.

બનાસકાંઠાના દાંતીવાડામાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં ગઈ કાલે સાંજે છ વાગ્યા સુધીમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં સૌથી વધુ સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં ગઈ કાલે સાંજે છ વાગ્યા સુધીમાં ૨૨૩ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં ૨૧ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને ૭૪ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં બનાસકાંઠા, જૂનાગઢ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ,  ભરૂચ, નર્મદા, પોરબંદર, કચ્છ, જામનગર, અમરેલી, રાજકોટ, મોરબી સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો.

gujarat gujarat news Gujarat Rains