ઉત્તર ગુજરાતમાં વરસાદનો કહેર : બનાસકાંઠામાં પૂરનો ખતરો

07 September, 2020 09:32 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ઉત્તર ગુજરાતમાં વરસાદનો કહેર : બનાસકાંઠામાં પૂરનો ખતરો

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર ગુજરાતમાં ગઈ કાલે વરસાદે ભારે કહેર વરસાવ્યો હતો અને બનાસકાંઠા જિલ્લામાં તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બનાસકાંઠાના અંબાજીમાં તો એટલી હદે પાણી ભરાયાં હતાં કે ઘણાં ટૂ-વ્હીલર્સ એમાં તણાતાં હોય એવા વિડિયો પણ સોશ્યલ મિડિયા પર વાઇરલ થયા હતા. સૌરાષ્ટ્રમાં ગઈ કાલે ત્રીજા દિવસે પણ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ગીર ગઢડાના જુડવડલી ગામે ૩ ઈંચ, ધોકડવામાં ૨ ઈંચ વરસાદને કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.

મહેસાણા જિલ્લાના પઢારિયા ગામે પાંચ લોકો પર વીજળી પડી હતી. વીજળી પડવાને કારણે ૨ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત થયેલાં ૩ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડાના ખારી દાંતીયા ગામે વીજળી પડતાં બકરાં ચરાવતાં એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે અમરેલીના લાઠીના દૂધાળાના તળાવમાં ડૂબી જવાને કારણે બે લોકોનાં મોત નિપજ્યા હતા. તળાવમાંથી માલઢોરને બહાર કાઢવા જતાં ૧૬ વર્ષનો એક કિશોર ડૂબવા લાગ્યો હતો. આ કિશોરને બચાવવા માટે એક આધેડ વયના યુવાને પણ તળાવમાં કૂદકો મારી દીધો હતો. પણ તે પણ કિશોરની સાથે તળાવમાં ડૂબી જતાં બંનેનાં મોત નિપજ્યા હતા. બે વ્યક્તિનાં મોત નિપજતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

gujarat Gujarat Rains ahmedabad gandhinagar