સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ એનડીઆરએફની 7 ટીમ સ્ટેન્ડ-બાય

07 July, 2020 12:29 PM IST  |  Gandhinagar | Agencies

સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ એનડીઆરએફની 7 ટીમ સ્ટેન્ડ-બાય

પાણીમાં રમવાની મજા : રાજકોટમાં અતિશય વરસાદને લીધે ગઇ કાલે ઠેર ઠેર પાણી ભરાયાં હતાં અને મોટાઓને આ કદાચ મુસીબત લાગે પણ બાળકોને ભરાયેલા પાણીમાંથી પસાર થતી કારને કારણે ઊડતા પાણીમાં મજા પડી ગઈ હતી. તસવીર : ચિરાગ ચોટલિયા

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. ખંભાળિયામાં ૨૦ ઇંચ તો કલ્યાણપુરમાં ૧૪ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વધારે વરસાદના પગલે એનડીઆરએફની વાત કરવામાં આવે તો રાજ્યમાં એનડીઆરએફની કુલ સાત જેટલી ટીમને તહેનાત કરી દેવામાં આવી છે. ખંભાળિયામાં પડેલા વરસાદના પગલે એનડીઆરએફની ટીમ સક્રિય કરાઈ છે. જ્યારે એસટીએફની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. દ્વારકા, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં એનડીઆરએફની એક એક ટીમ સ્ટેન્ડ-બાય કરવામાં આવી છે. જ્યારે વડોદરા અને ગાંધીનગરમાં પણ એક ટીમને સ્ટેન્ડ-બાય કરવામાં આવી છે.

સવારે ૬ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યના ૧૯૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લાના કાલાવડમાં ૫.૮૪ ઇંચ નોંધાયો છે. જ્યારે રાજકોટમાં ૩.૪૪ ઇંચ, રાજકોટના પડધરીમાં ૩ ઇંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને જામનગરના ધ્રોળમાં ૨.૮૪ ઇંચ, અમરેલીના જાફરાબાદમાં ૨.૬૦ ઇંચ, ગીર સોમનાથના ગીરગઢડામાં ૨.૪૪ ઇંચ, જામનગરમાં ૨.૨૮ અને જામનગરના લાલપુરમાં ૨.૧૨ ઇંચ વરસાદ નોંધાયો હતો.

સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ પોતાની કૃપાદૃષ્ટિ ઉતારી છે, પરંતુ અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક એવા વિસ્તારો છે જ્યાં હજુ વરસાદ નહીંવત પડ્યો છે. પરંતુ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં રવિવારે મોડી સાંજથી મેઘરાજાએ પધરામણી કરી હતી. અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદે માઝા મૂકી છે. અમદાવાદના છેડે સાણંદ સહિતના ગ્રામ્ય પંથકમાં આજે સવારથી વરસાદ શરૂ થયો છે. રાજ્યના સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે.

આજે ૧૦ તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે ૧૮ તાલુકામાં ૨ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને ૩૭ તાલુકામાં ૧ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. અમરેલીના જાફરાબાદમાં ૨.૫ અને ગીર-સોમનાથના ગીરગઢડા અને જામનગરના કાલાવડમાં ૨ ઇંચ વરસાદ છે. ઉપરાંત જામનગરના ધ્રોળમાં ૪૫ મિમિ, સુરતના પલાસણામાં ૩૫ મિમિ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થતાં ૧૭ ડૅમમાં ૪ ફુટ સુધીની આવક થઈ છે. ગોંડલ અને આસપાસનાં ગામોમાં આખી રાત ધીમીધારે વરસાદ પડ્યો હતો. ગોંડલમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે વાસાવડી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સૌરાષ્ટ્રભરમાં ગઈ કાલથી ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે અમરેલી અને ગીર સોમનાથ પંથકમાં ભારે વરસાદ પડતાં નાનાં તળાવો, નદીઓ અને ચેક-ડૅમોમાં નવાં નીરની આવક થઈ છે. સુત્રાપાડામાં ૪ કલાકમાં ૩ ઇંચ વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં વરસાદી રમઝટ

ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે, જેથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર, ચીખલી અને વલસાડ જિલ્લાના વાપી અને પારડીમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ ૩૨ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે.

જેમાં નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર, ચીખલી અને વલસાડ જિલ્લાના વાપી અને પારડીમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે પાંચ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે ૬ તાલુકામાં બે ઇંચથી વધુ અને ૮ તાલુકામાં ૧ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આગામી બે દિવસ હજુ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં હજી ત્રણ દિવસ વરસાદી સંકટ

ગુજરાતમાં ચોમાસાની મોસમનું પ્રભુત્વ વધ્યું છે અને હવે આગામી ત્રણ દિવસ દરમ્યાન રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે કચ્છ અને તેની આસપાસ સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. હવે તે આગામી ૨૪ કલાકમાં વધુ સક્રિય થશે. મોન્સૂન ટ્રો કચ્છ, અમદાવાદમાંથી પસાર થઈ રહ્યું છે. જેના પગલે આગામી ૩ દિવસ વરસાદનું પ્રભુત્વ રહેશે. આવતી કાલે જે જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તેમાં અમદાવાદ-કચ્છ-ભરુચ-સુરત-નવસારી-વલસાડ-રાજકોટ-અમરેલી-ભાવનગરનો સમાવેશ થાય છે. આજે સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં દ્વારકા અને પોરબંદરમાં આજે આભ ફાટવાની આશંકા છે. દીવ, પોરબંદર, જામનગર, અમરેલી, મોરબી, કચ્છ, દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી છે. મંગળવારે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રને મેઘરાજાએ ઘમરોળ્યા બાદ આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સિસ્ટમ વેલ માર્કો લો પ્રેશર અને સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વકી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્રમાં બે દિવસ માટે રેડ અલર્ટ જાહેર કરાઈ છે.

પોરબંદરમાં વરસાદથી તારાજી, ઘરોમાં પાણી ઘૂસ્યાં

પોરબંદરમાં ૧૩ ઇંચ અને રાણાવાવમાં ૧૦ ઇંચ વરસાદ પડતાં તારાજી સર્જાઈ છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આ સાથે જ ભારે વરસાદના પગલે એક બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. જોકે તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ભારે વરસાદ પડતાં અને વરસાદની આગાહીના પગલે પોરબંદરમાં એનડીઆરએફની એક ટીમ ઉતારવામાં આવી છે. પીજીવીસીએલ ઉદ્યોગનગર કચેરીમાં પણ પાણી ભરાઈ ગયાં છે.

પોરબંદરના રાણાવાવ હાઇવે નજીક એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. રાણાવાવમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયાં હતાં. તે સમયે બસ રોડની સાઈડમાં ભરાયેલાં પાણીમાં ઊતરી ગઈ હતી. આ દરમ્યાન બસમાં સવાર લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે બાદમાં તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા.

Gujarat Rains gujarat ahmedabad gandhinagar surat