આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં સાંબેલાધાર વરસાદની આગાહી, જાણો વિગતો

09 August, 2022 05:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોમવારે રાજ્યમાં 100 કરતાં પણ વધુ તાલુકામાં મધ્યમ વરસાદ નોંધાયો હતો. અત્યારસુધીમાં ગુજરાતમાં સરેરાશ 76 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના મોટા ભાગનાં સ્થળે આગામી 3 દિવસ ભારે વરસાદ પડી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત રાજ્યમાં ફરી ચોમાસાની અસર જોવા મળી છે. સોમવારે રાજ્યમાં 100 કરતાં પણ વધુ તાલુકામાં મધ્યમ વરસાદ નોંધાયો હતો. અત્યારસુધીમાં ગુજરાતમાં સરેરાશ 76 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના મોટા ભાગનાં સ્થળે આગામી 3 દિવસ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 9 અને 10 ઓગસ્ટે અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે. 

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે જ માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે.  

આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મધ્ય ગુજરાતનાં વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.  તો બીજી બાજુ નવ અને દસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં સાંબેલાધાર વરસાદ પડવાની સંભાવના છે.  

આ ઉપરાંત  હવામાન વિભાદ દ્વારા કહેવામાં આવ્યું છે કે 10 અને 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે. દાદરા અને નગર-હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે, તો વલસાડ, દમણ અને  સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડશે. 11મી ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી છે. રાજ્યના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તેમજ દાહોદમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. 

છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં 153 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સીઝનનો 76.21 ટકા વરસાદ નોંધવામાં આવ્યો છે. ઉપલેટા અને ઉમરગામમાં ચાર ઈંચ, દાહોદ, બગસરા, બાબરા અને રાણાવાવમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે, તો જામકંડોરણા અને હિંમતનગરમાં સાડાત્રણ ઈંચ પડ્યો હતો. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 62 ટકા અને મધ્ય ગુજરાતમાં 65 ટકા નોંધાયો છે.

 

gujarat Gujarat Rains ahmedabad