દક્ષિણ ગુજરાતમાં મેઘો અનરાધાર, વાપીમાં 2 કલાકમાં 2.5 ઈંચ વરસાદ

01 July, 2019 06:25 PM IST  | 

દક્ષિણ ગુજરાતમાં મેઘો અનરાધાર, વાપીમાં 2 કલાકમાં 2.5 ઈંચ વરસાદ

વાપીમાં 2 કલાકમાં 2.5 ઈંચ વરસાદ

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં અને ખાસ કરીને વાપી–વલસાડમાં વિસ્તારમાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે વાપીમાં માત્ર 2 કલાકમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. વાપીમાં બપોરે 2 વાગે વરસાદ પડવાનો શરૂ થયો હતો જે 4 વાગ્યા સુધી 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે વાપીના રહેવાસીઓનું જનજીવન ધીમું પડી ગયું છે. વરસાદના કારણે નદીઓના કાંઠા વધતા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. વરસાદના પાણીના કારણે નુકસાન વધવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા 24 કલાકમાં હજુપણ ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વાપીમાં 63 મિ.મી, ઉમરગામમાં 37 મિ.મી, પારડીમાં 12 મિ.મી, કપરાડા 10 મિ.મી વરસાદ વરસ્યો છે.એકતરફ દક્ષિણમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓમાં વરસાદનો છાંટો પણ પડ્યો નથી.

આ પણ વાંચો: જાણો તમારે ત્યાં કેવો વરસાદ પડ્યો, 'ફરફર', 'પછેડીવા' કે પછી 'નેવાધાર'?

ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસથી મુંબઈમાં પણ અવિરત વરસાદ પડી રહ્યો છે. મુંબઈના કેટલાય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. મુંબઈમાં સતત ત્રણ ચાર દિવસથી ધીમીધારે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પરિણામે મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેન પણ ધીમી ચાલી રહી છે. તો ગુજરાતથી મુંબઈ જતી આવતી ટ્રેનો પણ લેટ થઈ રહી છે. કેટલીક ટ્રેનના રૂટ બદલાયા છે, તો કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે. અને આગામી કેટલાક દિવસો સુધી હજીય દક્ષિણ ગુજરાત સહિત મુંબઈમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

gujarat Gujarat Rains gujarati mid-day