૨૬થી ૨૮ એપ્રિલ દરમ્યાન રાજ્યમાં હિટવેવની આગાહી, અમદાવાદમાં ઑરેન્જ અલર્ટ

25 April, 2019 07:39 AM IST  |  અમદાવાદ

૨૬થી ૨૮ એપ્રિલ દરમ્યાન રાજ્યમાં હિટવેવની આગાહી, અમદાવાદમાં ઑરેન્જ અલર્ટ

ગુજરાત માટે હવે આકરા ગરમીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે. ૨૨ એપ્રિલથી ગુજરાતમાં આગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે ગુજરાતના મોટા ભાગનાં શહેરનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચી ગયો છે. આ વચ્ચે હવામાન ખાતાએ હિટવેવની આગાહી કરી છે.

ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાયો છે, જેને પગલે રાજ્યમાં ૨૬ થી ૨૮ એપ્રિલ દરમ્યાન હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલીમાં ગરમ પવન ફુંકાશે. અમદાવાદમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે અને ૨૬ એપ્રિલ માટે અમદાવાદમાં રેડ ઍલર્ટ જાહેર કરાયું છે ત્યારે આ આવનારા દિવસોમાં તાપમાન ૪૩થી ૪૪ સેલ્શિયસ ડિગ્રી પર પહોંચવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.

૨૩ એપ્રિલના રોજ મતદાન સમયે ગુજરાતવાસીઓએ ૪૩ ડિગ્રી ગરમીના પારા વચ્ચે મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બપોર સુધી ઓછું મતદાન નોંધાયું હતું. તો મહેસાણા અને ભરૂચમાં બે મતદાતાઓનું મતદાન બૂથમાંથી બહાર નીકળ્યા બાદ મોત થયું હતું.

અરવલ્લી જિલ્લામાં બુધવારે ૪૨ ડિગ્રી ટેમ્પરેચર નોંધાયું છે. ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતા લોકો પરેશાન થયા છે. તો અન્ય શહેરોમાં પણ પારો ૪૨ થી ૪૩ ડિગ્રીની આસપાસ રહ્યો છે.
એએમસીનો ઍક્શન પ્લાન : શહેરના તમામ અર્બન સેન્ટર પર ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી છે. બગીચાઓ રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રખાશે અને પીવાનાં પાણીની વ્યવસ્થા કરાશે. તમામ આંગણવાડીમાં ઓઆરએસ પેકેટ પહોંચાડવામાં આવશે. એસ્ટેટ વિભાગ દ્વારા કન્સ્ટ્રક્શન સાઈટો પર પીવાનાં પાણીની વ્યવસ્થા ઊભી કરાશે. હિટસ્ટ્રોકના દરદીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે આઈસ પેકની વ્યવસ્થા કરવામાં આવી છે. એએમટીએસના તમામ બસ ડેપોમાં પીવાનાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના તમામ બીઆરટીએસના બસ સ્ટેન્ડ પર ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવશે. શહેરમાં છ મોબાઈલ પાણીની પરબ પણ ચાલુ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદઃશહેરમાં બનશે ગુજરાતની સૌથી મોટી 315 રૂમની હોટેલ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે એપ્રિલના છેલ્લા સપ્તાહમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. મહત્વનું છે કે હવામાન વિભાગે હજી સુધી રાજ્યમાં હિટવેવની કોઈ આગાહી નથી આપી. આ સપ્તાહમાં શુક્રવારે ૪૪ ડિગ્રી, શનિવારે ૪૫ અને રવિવારે પણ તાપમાન ૪૫ ડિગ્રી પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કાળઝાળ ગરમી વચ્ચે પણ ગુજરાતીઓએ મતદાન કર્યું હતું. અમદાવાદમાં આજથી પારો ઊંચકાશે.

ahmedabad gujarat news