અમદાવાદ-ગાંધીનગરમાં 45, તો વડોદરા-રાજકોટમાં પારો 44 ડિગ્રીએ

03 June, 2019 07:43 AM IST  |  અમદાવાદ

અમદાવાદ-ગાંધીનગરમાં 45, તો વડોદરા-રાજકોટમાં પારો 44 ડિગ્રીએ

ગરમી

રાજ્યભરમાં દિવસે-દિવસે ગરમીના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં તાપમાન ૪૪ ડિગ્રીની પાર પહોંચ્યું છે. હાલમાં લોકો ગરમીથી બચવા માટે ઠંડા પાણીનો સહારો લઈ રહ્યા છે, જ્યારે હવામાન વિભાગ દ્વારા એક અઠવાડિયા સુધી ગરમીની આગાહી કરવામાં આવી છે. હજી પણ એક અઠવાડિયું લોકોને આકરો તાપ સહન કરવો પડશે.

રાજ્યના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં ૪૫ ડિગ્રી, રાજકોટમાં ૪૪ ડિગ્રી, વડોદરામાં ૪૩ ડિગ્રી, કચ્છમાં ૪૩ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૪ ડિગ્રી, અમરેલીમાં ૪૪ ડિગ્રી, ઈડરમાં ૪૩ ડિગ્રી, ડીસામાં ૪૨ ડિગ્રી, પાટણમાં ૪૨ ડિગ્રી, ખેડામાં ૪૩ ડિગ્રી અને બોટાદમાં ૪૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

તમને જણાવીએ કે છેલ્લા ચાર દિવસથી ગરમીએ માઝા મૂકી છે. ગરમીનો પારો ૪૪ ડિગ્રી સુધી પહોંચતાં જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. બપોરના સમયે ગરમીના કારણે લોકો પોતાના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, તેથી રસ્તાઓ સૂમસામ બન્યા છે. હવામાન ખાતાનું કહેવું છે કે હજી અઠવાડિયા સુધી ગરમી યથાવત્‌ રહેશે.

આ પણ વાંચો : ડીજીપીનું જાહેર ‘કબૂલાતનામું’: નશાબંધીને વરેલા ગુજરાતમાં દારૂ વેચાય છે?

લોકો ગરમીથી બચવા માટે વિવિધ પ્રકારનાં ઠંડાં પીણાંનો ઉપયોગ કરી રહ્યા છે. ડૉક્ટરની સલાહ છે કે ગરમીમાં કામ વગર નીકળવાનું ટાળવું જોઈએ અને સુતરાઉ ખુલ્લાં કપડાં પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. જોકે ગરમીના કારણે છેલ્લા ચાર દિવસથી હૉસ્પિટલમાં પણ લૂ લાગવાના, ઊલટી અને માથાના દુખાવાના કેસોમાં વધારો થયો છે. જોકે હજી સુધી આગ દઝાડતી ગરમીનો લોકોએ સામનો કરવો પડશે.

gujarat ahmedabad gandhinagar