દશેરા નિમિત્તે આરોગ્ય વિભાગના દરોડા, ફાફડા-જલેબીનાં સૅમ્પલ લેવાયાં

08 October, 2019 10:27 AM IST  |  મુંબઈ ડેસ્ક

દશેરા નિમિત્તે આરોગ્ય વિભાગના દરોડા, ફાફડા-જલેબીનાં સૅમ્પલ લેવાયાં

પ્રતીકાત્મક તસવીર

સુરત : (જી.એન.એસ.) દશેરા નિમિત્તે સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી જતા હોય છે. બીજી તરફ ફાફડા અને જલેબીને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે સુરત મનપાનું આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. સોમવારે સુરતમાં અનેક જગ્યાએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી અને વિવિધ દુકાનોમાંથી સૅમ્પલો લેવામાં આવ્યાં હતાં.

નોંધનીય છે કે દશેરાના દિવસે ફાફડા અને જલેબીની ખૂબ માગ રહેતી હોય છે. આ તકનો લાભ લઈને ફરસાણના વેપારીઓ હલકી ગુણવત્તાના લોટ અને તેલનો ઉપયોગ કરતા હોય છે. વધુ નફો રળવા માટે વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોય છે.
ફરસાણના વેપારીઓ હલકી વસ્તુઓમાંથી ફરસાણ બનાવી લોકોને ન આપે તે માટે સુરતના આરોગ્ય વિભાગે શહેરના સાત ઝોનમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની કાર્યવાહી દરમ્યાન ફાફડા અને જલેબીના સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં.
આરોગ્ય વિભાગ તરફથી આ સૅમ્પલને લૅબોરેટરીમાં મોકલવામાં આવશે. જો આ સેમ્પલ જરૂરી માપદંડો પૂરા કરતા નહીં હોય તે દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વેપારીઓ એકના એક તેલમાં જ ફરસાણ તળતાં હોવાથી તેલના પણ સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત જે જગ્યાએ ફરસાણ બનાવવામાં આવે છે તે જગ્યાએ પૂરતી સ્વચ્છતા છે કે નહીં તેની ચકાસણી પણ કરવામાં આવી હતી.

gujarat surat