18 July, 2025 08:12 AM IST | Banaskantha | Gujarati Mid-day Correspondent
આવકાર અને વાવણી
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં ૨૯ કોદરવી પરિવારના ૩૦૦ જેટલા સભ્યોનું ગુજરાતના ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સ્વમાનભેર પુનર્વસન કરાવ્યું હતું. આદિવાસી સમાજના કુરિવાજ ચડોતરુના કારણે ગામમાંથી ૧૨ વર્ષ પહેલાં કોદરવી પરિવારના સભ્યો સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા તેમને સન્માન સાથે પોતાના ગામમાં પુનર્વસન માટેનો ઐતિહાસિક અને આવકારદાયક પ્રસંગ હર્ષ સંઘવી, બનાસકાંઠા પોલીસ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, ગામના આગેવાનો અને સમાજના મોભીઓની ઉપસ્થિતિમાં ગઈ કાલે યોજાયો હતો. હર્ષ સંઘવીએ આદિવાસી સમાજના ભાઈઓને તિલક કરીને ગામમાં પ્રવેશ કરાવ્યો હતો તેમ જ તેમના ખેતરમાં ભૂમિપૂજન કરીને મકાઈનું વાવેતર કરાવ્યું હતું. ગામમાં પરત આવેલા આ પરિવારને શૈક્ષણિક કિટ, રૅશન કિટ, પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં. તકરારને સ્થાને સમાધાન તરફ આગળ વધવા બદલ આદિવાસી સમાજના પંચના વડીલોને અભિનંદન પાઠવીને સ્ટેજ પર બોલાવીને સન્માન કરવામાં આવ્યું હતું. હર્ષ સંઘવીએ આ પ્રસંગે કહ્યું હતું કે ‘ગુજરાત જ નહીં, દેશના આદિવાસી બાંધવો માટે આ ઐતિહાસિક દિવસ છે. આજનો દિવસ કુરિવાજની નાબૂદી, ઉન્નતિ, ખુશાલી અને પારિવારિક આદર સાથે પુનર્વસનનો મહત્ત્વપૂર્ણ દિવસ છે.’