ગુજરાતી ભાષામાં `ટાર્ઝન કિશોરી` જેવી બાળ નવલકથા આપનાર સર્જક હરીશ નાયકનું ૯૭ વર્ષની વયે અવસાન

24 October, 2023 08:40 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Harish Nayak No More : ગુજરાતી બાળસાહિત્યમાં ઉમદા પ્રદાન કરનાર હરીશ નાયકનું આજે અવસાન થયું છે. તેઓએ ગુજરાતી બાળ સાહિત્ય અને બાળવાર્તાઓને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતભરમાં અનેક પ્રયત્નો કર્યા હતા.

હરીશ નાયક

ગુજરાતી બાળસાહિત્યમાં ઉમદા પ્રદાન કરનાર હરીશ નાયકનું આજે અવસાન (Harish Nayak No More) થયું છે. તેઓ ગુજરાત સમાચારના બાળસામયિક ઝગમગના તંત્રી હતા. તેઓએ બાળકો માટેના અનેક પુસ્તકોની રચના કરી હતી.  જેમાં કચ્ચુ-બચ્ચુ, બુદ્ધિ કોના બાપની અને ટાઢનું ઝાડનો વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે જ તેઓએ ગુજરાતી બાળસાહિત્ય અને બાળવાર્તાઓને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતભરમાં અનેક પ્રયત્નો કર્યા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. આજે ૯૭ વર્ષની વયે તેઓનું નિધન (Harish Nayak No More) થયું છે.

જાણીતા બાળસાહિત્યકાર યશવંત મહેતા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવે છે કે, "તેઓએ જિંદગીભર સાહિત્યની સેવા કરી છે. સરકારી નોકરી છોડીને તેઓએ સાહિત્ય માટે પ્રદાન કર્યું હતું. ગુજરાત સમાચારનું ઝગમગ, શ્રીરંગ માટે પણ તેઓએ ખૂબ લખ્યું. તેઓએ પોતાના નામે `નાયક` નામનું પણ બાળકો માટે સામયિક શરૂ કર્યું હતું. છેલ્લે સુધી પણ તેઓ હાસ્ય સર્જન કરતાં હતા. ટૂંકમાં, આજીવન સાહિત્યકાર અને પ્રમુખ રીતે બાળસાહિત્યકાર હતા. તેઓએ સિનેમાની અભિનેત્રીઓના પરિચય, ઇંટરવ્યૂ પણ તેઓએ કરેલા છે. બાળસાહિત્યના જ તેમના ૪૦૦થી વધુ પુસ્તકો છે. તે ઉપરાંત ૨૫-૩૦ જેટલી નવલકથાઓ પણ લખી હતી. તેઓએ હાસ્ય સાહિત્યના પણ ૨-૩ પુસ્તકોનું સર્જન કર્યું હતું. હું ઝગમગમાં જ્યારે સંપાદક હતો ત્યારે મેં અને તેઓએ મળીને ગુજરાતી બાળસાહિત્યમાં નવા ચીલા પાડ્યા. દાખલ તરીકે ગ્રીક સાહિત્યની કથા વગેરે લાવ્યા. કિશોર સાહસકથાઓ પણ અમે લાવ્યા."

અમદાવાદમાં રહેતા સર્જક નટવર પટેલ જણાવે છે કે, “થોડું પૂછીએ ને ઘણું બધુ કહી દે. હરીશ નાયક (Harish Nayak No More) પાસે બાળસાહિત્યનું ખૂબ જ્ઞાન હતું. તેઓ રેફરન્સ સાથે વાત કરી શકતા હતા. હું જ્યારે સ્કૂલમાં નોકરી કરતો હતો ત્યારે ત્રણ વર્ષ તેઓ ત્યાં વાર્તાઓ કરવા આવતા તેનું મને સ્મરણ છે. તેમની પ્રેરણાથી જ હું લાંબી વાર્તાઓ લખતો થયો હતો. સાહસિક નિરુ એવી વાર્તા તેઓએ છાપી હતી. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેઓ મારા માર્ગદર્શક રહ્યા છે. નવું પુસ્તક તેમની પાસે આવે કે મને તેઓ તરત જ આપતા.”

આમ તો હરીશ દાદા મૂળ સુરતના વતની હતા. પરંતુ તેઓ અમદાવાદમાં આવીને સ્થાયી થયા હતા. તેઓએ લગ્ન બાદ પણ અવિરત સર્જનકાર્ય શરૂ જ રાખ્યું હતું. હરીશ નાયકે (Harish Nayak No More) એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે, “અમે તો સાઇકલ લઈને અનેક શાળાઓમાં વાર્તાઓ કહેવા માટે જતાં. આ રીતે અમે બાળકોને જ્ઞાન સાથે મનોરંજન આપતા.”

તેઓ ઠેર-ઠેર વાર્તાઓ કરવા જતાં. અને `વાર્તાનું વિમાન` તરીકે તેમની શ્રેણી તેમની ખૂબ જ ચાલેલી. ઝગમગમાં મધપૂડો વિભાગનું પણ તેઓ સંપાદન કરતાં હતા. તેમણે ત્રણ દીકરીઓ છે.

gujarat news gujarat ahmedabad