ક્યા કરેં, ક્યા ના કરેં

19 May, 2022 07:25 AM IST  |  Mumbai | Rashmin Shah

ગઈ કાલે કૉન્ગ્રેસ છોડી દેનારા હાર્દિક પટેલને બીજેપીની કોર કમિટી પાર્ટીમાં લાવવા ઇચ્છે છે, પણ બીજેપીના કાર્યકરો કોઈ કાળે નથી ઇચ્છતા કે હાર્દિક પાર્ટીમાં આવે અને આ જ કારણ છે કે અત્યારે બીજેપી કોર કમિટી હાર્દિકની બાબતમાં અવઢવમાં મુકાઈ ગઈ છે

હાર્દિક પટેલ


રાજકોટ ઃ ગઈ કાલે ટ્વિટર પર સત્તાવાર જાહેરાત કરીને કૉન્ગ્રેસ છોડી દેનારા હાર્દિક પટેલે છેલ્લા થોડા સમયથી જાહેરમાં જ બીજેપીની કામગીરી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કરીને સૌકોઈને એવો અણસાર આપી દીધો હતો કે તે બીજેપી જૉઇન કરી શકે છે અને બીજેપીએ પણ એવી જ દિશા પકડી છે. હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જાય અને પાટીદાર-વોટનું ધ્રુવીકરણ થાય એને બદલે હાર્દિકને બીજેપીમાં લાવીને પાટીદાર-વોટ સાચવી લેવાનું પ્લાનિંગ અને એ જ સ્ટ્રૅટેજી પર કામ કરતી બીજેપીની કોર કમિટી માટે એના જ કાર્યકરો અત્યારે ટેન્શનરૂપ બન્યા છે અને એનું કારણ એ છે કે પાર્ટી માટે દિવસ-રાત એક કરતા આ કાર્યકરો નથી ઇચ્છતા કે હાર્દિકને પાર્ટીમાં લેવાય.
    બહુ મોટો અને બહોળો એવો આ કાર્યકરોનો વર્ગ આજે પણ હાર્દિકનાં કોઈ સ્ટેટમેન્ટ ભૂલ્યો નથી જે તેણે બીજેપીની જે-તે સમયની સરકારમાં બેઠેલાં આનંદીબહેન પટેલ અને નીતિનભાઈ પટેલ માટે કર્યાં હતાં. કાર્યકરોની નારાજગી પણ બીજેપીને પોસાય એમ નથી તો સામા પક્ષે એવો જ ઘાટ હાર્દિક માટે પણ છે. કૉન્ગ્રેસ છોડી ચૂકેલો હાર્દિક જો આમ આદમી પાર્ટીમાં જાય તો પાટીદાર-વોટમાં બહુ મોટું ગાબડું પાડી શકે એવી શક્યતા હોવાથી ગુજરાત બીજેપીના પ્રેસિડન્ટ સી. આર. પાટીલ અને અન્ય સિનિયર સભ્યો હાર્દિકને બીજેપીમાં લાવવા ઇચ્છે છે, પણ સાથોસાથ કાર્યકરોને નારાજ કરવા પણ રાજી નથી. પરિણામે અત્યારે હાર્દિકના મુદ્દે બીજેપીમાં એવી મડાગાંઠ ઊભી થઈ છે કે ખુદ કોર કમિટી પણ મૂંઝવણમાં મુકાઈ છે. નથી એ કાર્યકરોને નારાજ કરી શકે એમ છે કે પછી નથી એને એ પણ પોસાય એમ કે હાર્દિક આમ આદમી પાર્ટી પાસે જઈને બેસી જાય. અલબત્ત, એ પણ નક્કી છે કે આ મડાગાંઠને વહેલી તકે ઉકેલવામાં આવશે અને ફાઇનલી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સિનિયર આગેવાનો નક્કી કરશે એ મુજબનું પગલું ભરવામાં આવશે, પણ ત્યાં સુધી માત્ર હાર્દિક માટે જ નહીં, બીજેપીની કોર કમિટી માટે પણ ‘થોભો અને રાહ જુઓ’ની જ નીતિ અપનાવવાનો સમય આવી ગયો છે.

gujarat news Gujarat Congress hardik patel