ગુજરાતના ધરતીપુત્રોની માંગઃ ક્રોપ લોન કરો માફ

20 February, 2019 02:03 PM IST  |  ગાંધીનગર

ગુજરાતના ધરતીપુત્રોની માંગઃ ક્રોપ લોન કરો માફ

ગુજરાતના ખેડૂતોની માંગ, ક્રોપ લોન કરો માફ

એક તરફ કુદરતનો માર અને બીજી તરફ વધતી જતી મોંઘવારીથી પરેશાન છે ગુજરાતનો ખેડૂત. ચારે તરફથી ભીંસમાં આવેલા રાજ્યના ખેડૂતોની માંગ છે કે તેમનો પાક પરની લોન માફ કરવામાં આવે. સરકાર તેમની સ્થિતિ સમજી માનવીય ધોરણ પર સહાય કરે.

રાજ્યનો ખેડૂત ગરીબ!
રાજ્યના બજેટ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે કેન્દ્ર સરકારે જાહેર કરેલી 6 હજાર રૂપિયાની સહાય મેળવવા માટે રાજ્યના 40 લાખ ખેડૂતોએ અરજી કરી છે. સરકારી ચોપડે હાલ ગુજરાતમાં કુલ 54 લાખ ખેડુતો છે. એટલે તેનો અર્થ એ થયો કે રાજ્યના 54 લાખમાંથી 40 લાખ ખેડૂતો ગરીબ છે. જેમને આ સહાયની જરૂર છે. ત્યારે આ ખેડુતોની મોટા પાયે માંગ ઉઠી છે કે સરકાર પાક પરની જે લોન છે તે પણ માફ કરે તો તેમના પર આર્થિક બોજો ઓછો થઇ શકે.

ખેડૂતોના નામે વીમા કંપનીઓને ફાયદો!
સરકાર ખેડૂતોને તો 6 હજાર રૂપિયાની જ સહાય કરે છે પરંતુ બેંકોને મળે છે એક લાખ રૂપિયા સામે 58 હજાર રૂપિયા. આ આંકડા ગુજરાતમાં ખેડૂતોને વીમો આપતી કંપનીઓના છે. ગુજરાતમાં 18 કંપનીઓ છે, જેઓ ખેડૂતોને પાક વીમો આપે છે. જેનું અડધું પ્રીમિયમ ખેડૂતો ભરે છે અને બાકીનું પ્રીમિયમ કેન્દ્ર અને રાજ્ય સરકાર ભરે છે. હવે જ્યારે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે ત્યારે ખેડૂતોની ફરિયાદ છે કે તેમને વળતર નથી મળતું. સરકાર આ બેંકોને પૈસા પણ આપે છે પરંતુ ખેડૂતોનો સવાલ એ છે કે, જો સરકાર વીમા કંપનીઓને આટલા નાણાં આપે છે તો ખેડૂતોને વળતર કેમ નથી મળતું, પાક નિષ્ફળ જાય તો પૈસા ન મળવાના હોય તો પ્રીમિયમ શા માટે લેવું જોઈએ? પાક વીમા પાછળ રાજ્ય સરકાર 2 હજાર કરોડનો વર્ષે ખર્ચ કરે છે, એટલે કે વીમા કંપનીઓને ચુકવે છે. તેના બદલે જો આ રકમ સીધી ખેડૂતોને આપવામાં આવે તો વધુ ફાયદો થાય તેવી ખેડૂતોની માંગ છે. સાથે ખેડૂતોનો એવો પણ આરોપ છે કે વીમા કંપની વળતર નથી ચુકવતી પણ લોન ચુકવવા માટે ખેડૂતોને નોટિસ મોકલી ચીમકી આપે છે.

ખેડૂત સંગઠનો અનેક વાર રજૂઆતો કરીને માંગ કરી ચુક્યા છે કે સરકાર તેમની અરજી સાંભળે અને સહાય કરે. પરંતુ તેમને આજ સુધી કોઈ સહાય નથી મળી.

ખેડૂતોને સહાય આપવા માટે કરવામાં આવી છે અનેક રજૂઆતો

70 હજારના ખર્ચ સામે 6 હજારની સહાય કેટલી યોગ્ય...?
લોકસભા ચુંટણી પહેલા મોદી સરકારે ઇંટરીમ બજેટ રજુ કર્યું હતું. આ બજેટમાં વધુને વધુ લોકો સુધી પહોંચવા માટે અનેક જાહેરાતો કરી હતી. જેમાં દેશના મહેનતુ ખેડુતો માટે પણ એક જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય બજેટમાં મોદી સરકારે 2 હેક્ટરની મર્યાદામાં જમીન ધરાવતા ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ખેડુતોને આ બજેટથી સરકાર પાસેથી મોટી સહાયની આશા હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી દેશમાં મોટી સંખ્યામાં ખેડુતોની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે જીવન ટુંકાવ્યું હતું. ત્યારે બજેટ બાદ ખેડૂતોનું કહેવું છે કે સરકારની આ સહાય પુરતી નથી. ખેડૂતને બે હેક્ટર જમીનમાં પાક ઉગાડવાનો પણ વર્ષે અંદાજે 70 હજાર આસપાસનો ખર્ચ થાય છે અને ઉપરથી કુટુંબના જીવનનિર્વાહનો ખર્ચ તો ખરો જ. હવે જો વર્ષ નિષ્ફળ જાય તો ખેડૂતોને 70 હજારનંપ ઓછામાં નુકસાન જાય છે. જ્યારે સરકારે આપેલી સહાય છે માત્ર 6 હજાર રૂપિયા. ખેડૂતોનું કહેવું છે કે તેમને ખેતીમાં થતા ખર્ચ કરતા તેમને આપવામાં આવી સહાય ચણા-મમરા બરાબર છે.

આ પણ વાંચોઃ ગુજરાત સરકારનું બજેટ થયું રજૂઃ આશાવર્કરો, આંગણવાડી બહેનોનો પગારમાં વધારો

સરકાર માનવીય ધોરણે કરે સહાય
રાજ્યના ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાના મત પ્રમાણે, 'ગુજરાતમાં આ વર્ષે કુદરત પણ રૂઠી છે. સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોના ઉભા પાક બળી ગયા છે. ખુદ રાજ્ય સરકારે રાજ્યના 99 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. આ તાલુકા એવા છે કે જ્યાં પીવાના પાણીની પણ અછત હોય તો સિંચાઈના પાણીની તો વાત જ કેમ કરવી. પાક નિષ્ફળ જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે, અને પાણીના અભાવે આ વર્ષે પાક તો લઈ શકાય તેમ જ નથી, તો ખેડૂત ગુજરાત કેમ ચલાવે?' સરકારે માનવીય ધોરણે ખેડૂતોને સહાય કરવી જોઈએ અને તેમની ક્રોપ લોન માફ કરવી જોઈએ તેવી ખેડૂતોની માંગણી છે.

gujarat gandhinagar