અમેરિકાએ રિટર્ન કરેલા ગુજરાતીઓ વાયા અમદાવાદ વતન પહોંચ્યા

07 February, 2025 07:03 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

પોલીસ સહીસલામત ઘરે પહોંચાડી આવી- જે-તે જિલ્લાની પોલીસ ઍરપોર્ટ પર હાજર રહીને પોતાના વિસ્તારના લોકોને લઈને રવાના થઈ ગઈ: વડોદરાના લુણા ગામની ખુશ્બૂ પટેલના ભાઈએ કહ્યું કે એવો કોઈ ગુનો નહોતો કર્યો કે કેદી જેવો વર્તાવ કરાય

અમેરિકાથી પાછા મોકલવામાં આવેલા ગુજરાતીઓ ગઈ કાલે અમદાવાદ ઍરપોર્ટ પર.

અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ૩૩ ગુજરાતીઓ ગઈ કાલે અમ્રિતસરથી અમદાવાદ ઍરપોર્ટ આવી પહોંચ્યા હતા. ગાંધીનગર, વડોદરા, પાટણ, બનાસકાંઠા, આણંદ, ભરૂચ સહિતની જિલ્લા પોલીસ અમદાવાદ ઍરપોર્ટ પર હાજર રહીને તેમના જિલ્લાના પરત ફરેલા લોકોને લઈને રવાના થઈ ગઈ હતી.

અમેરિકન સરકારે ભારત પરત મોકલેલા ૩૩ ગુજરાતીઓ હેમખેમ વતન પાછા ફરતાં તેમના પરિવારોને હાશકારો થયો હતો. કોઈકે દીકરી માટે ભાવતાં ભોજન બનાવ્યાં હતાં તો કોઈ માતાપિતા ભાવુક બન્યાં હતાં. વડોદરાના લુણા ગામની ખુશ્બૂ પટેલ ઘરે પાછી ફરી હતી, પરંતુ જે પ્રકારે ઘટના બની એના કારણે હાલ તેની માનસિક સ્થિતિ યોગ્ય નહીં હોવાથી તેણે મીડિયા સાથે વાત કરી નહોતી; પરંતુ તેના ભાઈ વરુણ પટેલે મીડિયા સમક્ષ રોષ ઠાલવતાં કહ્યું હતું કે ‘એટલો કંઈ ગુનો હતો નહીં પણ જે ગયા તે અહીં આવ્યા છતાં પણ હાથકડી પહેરાવીને અહીં લાવવામાં આવ્યા છે. તેમની સાથે કેદીઓ જેવો વર્તાવ કર્યો એમ કહી શકાય.’

જોકે ખુશ્બૂનાં મમ્મી નયનાબહેનને દીકરી ઘરે પાછી ફરતાં રાહત થઈ હતી અને ઘરે નાસ્તો બનાવવા બેસી ગયાં હતાં. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘છોકરી ઘરે આવી એટલે ખુશ છું. બાકી અહીં ટેન્શન બહુ હતું. બેબી ગઈ હતી પણ હવે તે સારી રીતે પાછી આવી ગઈ છે. અમારી ખુશી અમને પાછી મળી. દીકરીને ૨૫ દિવસે જોઈ. ટેન્શન બહુ હતું, પણ હવે શાંતિ થઈ.’  
ઉત્તર ગુજરાતમાં આવેલા જૂના ડીસાનાં બીના રામી ઘરે પાછાં ફરતાં તેના પરિવારના સભ્ય જયંતીભાઈએ મીડિયાને કહ્યું હતું કે ‘આગળ શું પ્રોસેસ થઈ એ ખબર નથી. તેમના પતિ દ્વારા તે કડીથી દોઢ મહિના પહેલાં ગઈ હતી. આગળ-પાછળ શું છે એની અમને ખબર નથી, પણ અમારી દીકરી હતી એટલે અહીં ઘરે લાવ્યાં છીએ અને તે સુરક્ષિત મળી ગઈ છે.’
અમેરિકાથી પરત મોકલાયેલા વિરમગામના જયેશ રામીએ મીડિયાને કહ્યું હતું કે ‘હું ૪૦ દિવસ પહેલાં ગયો હતો. ખર્ચનો કોઈ અંદાજ નથી. મેં એક રૂપિયો આપ્યો નથી. બધું ટ્રાવેલ એજન્ટનું હતું. ત્યાંથી ૧૫ દિવસ કૅમ્પમાં રાખ્યો હતો અને ડીપોર્ટ કર્યા છે.’

અમદાવાદના H ડિવિઝનના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ આર. ડી. ઝાલાએ મીડિયાને કહ્યું હતું કે ‘અમ્રિતસરથી ૩૩ જણ આવ્યા હતા તે તમામને ઘરે રવાના કરી દીધા છે. લોકલ બંદોબસ્ત રાખ્યો હતો અને જે-તે જિલ્લામાંથી પોલીસ આવી હતી અને તેમની સાથે બધાને રવાના કર્યા છે.’ 

ગઈ કાલે સવારે અમદાવાદ ઍરપોર્ટ પર આવી પહોંચેલા ૩૩ ગુજરાતીઓને પોલીસે મીડિયાથી દૂર રાખ્યા હતા. આ તમામને ઍરપોર્ટમાંથી જ પોલીસ બંદોબસ્ત હેઠળ બહાર કાઢ્યા હતા. એવું પણ કહેવાય છે કે ઍરપોર્ટ પર ડોમેસ્ટિક લાઉન્જની પાસે તમામ ૩૩ ગુજરાતીઓની ઇન્ટેલિજન્સ બ્યુરોએ પ્રાથમિક પૂછપરછ કરી હતી. આ તમામને લઈ જવા માટે જે-તે જિલ્લાની પોલીસ તમામને લઈ જવા માટે ઍરપોર્ટ પર તહેનાત હતી અને તમામને લઈને જિલ્લામાં જવા રવાના થઈ હતી.

હાથ-પગમાં કેદીઓની જેમ બેડીઓ કેમ? આ સવાલના જવાબમાં વિદેશપ્રધાને કહ્યું... દેશ​નિકાલની આ પ્રક્રિયા નવી નથી

અમેરિકાએ ભારતના ગેરકાયદે વસાહતીઓને કેદીઓની જેમ હાથ-પગમાં બેડીઓ બાંધીને મોકલ્યા એ સંદર્ભે ગઈ કાલે વિરોધ પક્ષોએ ઊહાપોહ કર્યા પછી વિદેશપ્રધાન એસ. જયશંકરે સંસદમાં કહ્યું હતું કે ‘આ પ્રક્રિયા નવી નથી, આ કોઈ ચોક્કસ દેશને લાગુ પડતી નીતિ નથી. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં આ સામાન્ય રીતે સ્વીકૃત સિદ્ધાંત છે. દેશનિકાલની આ પ્રક્રિયા નવી નથી અને ઘણાં વર્ષોથી ચાલુ છે.’

gujarat news ahmedabad united states of america donald trump gujarat government Crime News s jaishankar