ઓરિસ્સામાં ફસાયેલા તમામ ગુજરાતીઓ સલામતઃતંત્ર

05 May, 2019 05:38 PM IST  |  અમદાવાદ

ઓરિસ્સામાં ફસાયેલા તમામ ગુજરાતીઓ સલામતઃતંત્ર

ફાની વાવાઝોડાને કારણે 400થી વધુ ગુજરાતીઓ ઓરિસ્સામાં ફસાયા હોવાની માહિતી સામે આવી હતી. જો કે હવે સારા સમાચાર પણ આવ્યા છે. ફસાયેલા તમામ ગુજરાતીઓ સહી સલામત છે. આ માહિતી સામે આવ્યા બાદ ગુજરાત સરકારે ઓરિસ્સા અને રાયપુરના વહીવટી તંત્ર સાથે સંપર્ક કરીને ફસાયેલા તમામ ગુજરાતીઓને પાછા લાવવાની વ્યવસ્થા કરી છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ પ્રમાણે તમામ લોકો સલામત છે. પરંતુ તેમના મોબાઈલ ચાર્જ ન હોવાથી કોઈનો સંપર્ક થઈ શક્યો નથી.

ડેપ્યુટી કલેક્ટર ડિઝાસ્ટ મેનેજમેન્ટ તૃપ્તિ વ્યાસે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરીને માહિતી આપી કે રાજ્ય સરકાર ઓરિસ્સાના વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં છે. વાવાઝોડા સમયે આ તમામ લોકો કોલકાતામાં હતા. હવે તેમને કટક થઈને રાયપુર પહોંચાડવામાં આવશે. કટકથી તમામ ગુજરાતીઓને જુદી જુદી બસમાં રાયપુર લવાશે. અને રાયપુરથી બે જુદી જુદી ટ્રેનમાં તેઓ અમદાવાદ પહોંચશે. આ ઉપરાંત જામનગરના કલેક્ટરે પણ રાયપુરના કલેક્ટર સાથે વાત કરી છે. રાયપુરમાં તમામ લોકોને રહેવાની વ્યવસ્થા પણ ગોઠવી દેવાઈ છે.

ઉલ્લેખનીય છે કે ફાની વાવાઝોડાએ ઓરિસ્સામાં તબાહી મચાવી છે. ત્યારે આ ગુજરાતીઓ પણ ટ્રેન અને ફ્લાઈટ રદ થવાને કારણે ત્યાં ફસાયા હતા. પરંતુ હવે ચિંતાની કોઈ જરૂર નથી. તમામ લોકો સહીસલામત છે અને ટૂંક સમયમાં જ ગુજરાત પાછા ફરશે.

odisha gujarat news