રાજ્યમાં હાડ થિજાવતી ઠંડીઃ નલિયા 3.6 ડિગ્રી સાથે ઠૂંઠવાયું

29 December, 2019 09:05 AM IST  |  Ahmedabad

રાજ્યમાં હાડ થિજાવતી ઠંડીઃ નલિયા 3.6 ડિગ્રી સાથે ઠૂંઠવાયું

ગુજરાતમાં કૉલ્ડવેવનું મોજું ફરી વળ્યું છે

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અને કડકડતી ઠંડીને પગલે રાજ્યમાં કૉલ્ડવેવનું મોજું ફરી વળ્યું છે. મોટાભાગનાં શહેરોમાં ઠંડીનો પારો ૧૨ ડિગ્રીની નીચે નોંધાયો હતો. નલિયા ૩.૬ ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર બન્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ૧૦ ડિગ્રી ઠંડી નોંધાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં ૨થી ૩ ડિગ્રી તાપમાન નીચું જશે. તેમ જ માઉન્ટ આબુમાં આજે માઈનસ ૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થતાં ઠંડી વધી છે. હિમાચલ, કાશ્મીરની હિમવર્ષાની ગુજરાતમાં પણ અસર જોવા મળે છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કૉલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં ઠંડો અને સૂકો પવન ફુંકાશે. તેમ જ ૨૪ કલાક દરમ્યાન ૨ થી ૩ ડિગ્રી લઘુતમ તાપમાન ઘટશે. જેના કારણે શિયાળાની ઠંડીનો અહેસાસ લોકોને થશે. આગામી બે દિવસ ઠંડીનું જોર યથાવત્ રહેશે.

આ પણ વાંચો : સુરતની ટીનેજરે યમનની યુવતીને આપી ધબકારાની ખુશી

અમદાવાદમાં સીઝનનું સૌથી નીચું ૧૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ અમદાવાદનું લઘુતમ તાપમાન છેલ્લા ૪ દિવસમાં ૩ ડિગ્રી ગગડ્યું હતું. નલિયા બાદ ડિસા ૭.૮ ડિગ્રી સાથે બીજા ક્રમનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. આગામી ત્રણથી ચાર દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે.

gujarat ahmedabad