વાવાઝોડું આવ્યું તો એની તીવ્રતાની અસર રહેશે બાર કલાક

13 June, 2019 07:29 AM IST  |  રાજકોટ

વાવાઝોડું આવ્યું તો એની તીવ્રતાની અસર રહેશે બાર કલાક

વાવાઝોડું

‘વાયુ’ વાવાઝોડાને કારણે ગુજરાત અત્યારે ટેન્શનમાં છે, પણ જો આ સાઇક્લોન કોઈ રીતે અટક્યું નહીં તો એની તીવ્રતાની સીધી અસર ઑલમોસ્ટ ૧૨ કલાક સુધી જોવા મળશે. સાઇક્લોનને કારણે પોરબંદર ઉપરાંત, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને આંશિક પણે કચ્છ તથા જામનગર જિલ્લામાં સીધી અસર દેખાશે અને એને કારણે સાઠ લાખથી વધારે લોકોને સીધી અસર થશે. પોરબંદર જિલ્લાના કલેક્ટર એમ. એ. પંડ્યાએ કહ્યું હતું કે ‘સાઇક્લોનની તીવ્રતાને લીધે પોરબંદરના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને શિફ્ટ કર્યા છે છતાં જો સાઇક્લોન આવશે તો એની અસર આખા જિલ્લામાં દેખાશે.’

આ ૧૨ કલાક દરમ્યાન ભારે પવન સાથે અતિભારે વરસાદ પડે એવી સંભાવના છે. ગુજરાત હવામાન વિભાગના સિનિયર ઑફિસર કે. ડી. વાઘેલાએ કહ્યું કે ‘સાઇક્લોન આવ્યું તો ગુજરાતના આ વિસ્તારોમાં ૪૦થી ૫૦ કિલોમીટર પવનની ગતિ સાથે ૮થી ૧૨ ઇંચ જેટલો વરસાદ પડે એવી શક્યતા છે.’

આ પણ વાંચો : વાયુ સાઈક્લોનઃ અહીં LIVE જુઓ, પોરબંદર તરફ ફંટાયું

છેલ્લા દોઢ દિવસમાં ગુજરાતના દરિયાકાંઠેથી સવાત્રણ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે ગુજરાતનાં અન્ય શહેરોના નીચાણવાળા વિસ્તારમાંથી પણ દોઢ લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

gujarat rajkot gujarati mid-day porbandar junagadh bhavnagar