ઑનલાઇન પેમેન્ટના નામે છેતરપિંડી કરતા સુરતના વેપારીની ધરપકડ

11 November, 2019 09:45 AM IST  |  Surat

ઑનલાઇન પેમેન્ટના નામે છેતરપિંડી કરતા સુરતના વેપારીની ધરપકડ

પ્રતિકાત્મક તસવીર

ઑનલાઇન પ્લૅટફૉર્મનો ઉપયોગ કરી છેતરપિંડી કરવાની ઘટનાઓમાં હાલમાં વધારો થયો છે. વેબ લિન્ક ઍપની મદદથી લોકોને છેતરવામાં આવી રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો હતો જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જોકે મહત્ત્વની વાત એ છે કે ધંધામાં નુકસાન થતાં વેપારીએ શૉર્ટકટથી રૂપિયા કમાવાનું વિચાર્યું હતું. પરતું તેનો ખેલ ઊંધો પડી ગયો હતો.
ઉમરા પોલીસ મથકના પોલીસ-ઇન્સ્પેક્ટર એમ. એલ. સાળુંકેએ જણાવ્યું હતું કે ડૉ. અનુજ ડાયાલાલ ભૂત (પટેલ) નામની વ્યક્તિ પાસે ૭૧ હજારનો મોબાઇલ હતો. તેમણે OLX પર આ મોબાઇલ વેચવા માટે મૂક્યો હતો જેથી અમિત હીરપરાએ અનુજનો મોબાઇલ લેવા માટે સંર્ક કર્યો હતો. ત્યાર બાદ મોબાઇલ ખરીદવા માટે અમિત અને અનુજ ભેગા થયા હતા. દરમિયાન અનુજ પાસેથી મોબાઇલ લઈ અમિતે પોતાની પાસે રહેલી ઍક્સિસ બૅન્કની ઍપ વડે પેમેન્ટ કરવાનું કહ્યું હતું. અમિતે મોબાઇલનું પેમેન્ટ થઈ ગયું હોવાનું બતાવ્યા બાદ તે મોબાઇલ લઈ જતો રહ્યો હતો. જોકે પેમેન્ટ નહીં આવતાં અનુજ દ્વારા અમિતનો સંપર્ક કરાયો હતો, પરંતુ અમિતે રૂપિયા આપી દીધા હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે છેતરાયા હોવાનું ધ્યાનમાં આવતાં અનુજે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી જેથી પોલીસે અમિતની શોધખોળ હાથ ધરી તેની ધરપકડ કરી હતી.
સમગ્ર મામલે ઉમરા પોલીસે ધરપકડ કરેલા અમિતની પૂછપરછ કરી હતી, જેમાં તેને જણાવ્યું હતું કે પોતે વરાછા વિસ્તારમાં આવેલા પોદાર આર્કેડ ખાતે મોબાઇલની દુકાન ચલાવે છે. જોકે અમિતને ધંધામાં ખોટ જતાં શૉર્ટકટથી રૂપિયા કમાવા ઓએલએક્સ પરથી મોબાઇલ વેચનારનો કૉન્ટૅક્ટ કરી ઑનલાઇન પેમેન્ટના નામે મોબાઇલ લઈ ભાગી જવાની તરકીબ અપનાવી હતી. ૨૯ વર્ષના અમિત હીરપરાએ ઉમરા પોલીસ સામે પાંચ જેટલા ગુનાઓ કર્યાની કબૂલાત કરી છે.
અમિતના મોબાઇલમાં ઍક્સિસ બૅન્કની ઍપ્લિકેશન હતી. જોકે તેના બૅન્ક-અકાઉન્ટમાં પૂરતા રૂપિયા ન હોવા છતાં તે ઍપ્લિકેશનથી ઑનલાઇન પેમેન્ટનો સ્ક્રીનશૉટ ચાલાકીપૂર્વક મોબાઇલના માલિકને બતાવી દેતો હતો. આ સ્ક્રીનશૉટ અમિત પહેલાં જ બનાવીને લાવતો હતો. મોબાઇલ વેચનાર વ્યક્તિ એનાથી તેના પર વિશ્વાસ કરે. મોબાઇલ લીધા પછી પોતાનું કરતૂત પકડાઈ ન જાય એ માટે ગણતરીની મિનિટમાં ત્યાંથી નીકળી જતો હતો. અમિતે અગાઉ પણ આ જ પ્રકારે ઠગાઈ કરી હતી, જેમાં પુણા અને રાંદેર પોલીસ દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. છેતરપિંડીથી મેળવેલો મોબાઇલ અમિત વરાછાના પોદાર આર્કેડમાં સસ્તા ભાવે વેચી મારતો હતો.

આ પણ જુઓઃ કેઝ્યુઅલ આઉટિંગ માટે આ ગુજરાતી અભિનેત્રીઓના લૂક્સને કરો ટ્રાય,લાગશો એકદમ સ્ટનિંગ

અમિતે ઉધના વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા ઠાકોર રમેશ ભોઈનો ૬૫ હજારનો મોબાઇલ, કતારગામ વિસ્તારના યુવકનો ૭૩ હજારનો મોબાઇલ, નવસારી ટાઉન વિસ્તારમાંથી ૪૩ હજારનો મોબાઇલ અને પાંડેસરામાંથી ૨૭ હજારની કિંમતનો મોબાઇ  લ આવી જ રીતે છેતરપિંડીથી પડાવી લીધો હતો.

gujarat Gujarat Rains