અજબ પ્રેમ કી ગજબ કહાની:14 વર્ષના સ્ટુડન્ટને લઈને 26 વર્ષની ટીચર ભાગી ગઈ

21 January, 2020 07:24 AM IST  |  Surat | Tejash Modi

અજબ પ્રેમ કી ગજબ કહાની:14 વર્ષના સ્ટુડન્ટને લઈને 26 વર્ષની ટીચર ભાગી ગઈ

પ્રતીકાત્મક તસવીર

ગુરુ અને શિષ્યનો સંબંધ ખૂબ પવિત્ર હોય છે, પરંતુ આજના સમયમાં અનેક એવી ઘટનાઓ બને છે જે આંચકારૂપ હોય છે. આવી જ એક ઘટના ગુજરાતના પાટનગરમાં બની છે જેને પગલે ખુદ ગાંધીનગર પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે.

સરકારના ઉદ્યોગ ભવનમાં ફરજ બજાવતા એક અધિકારી કલોલ પોલીસ પાસે પહોંચ્યા અને તેમને પોતાના ૧૪ વર્ષના દિકરાને ૨૬ વર્ષીય ક્લાસ ટીચર ભગાડી ગઈ હોવાની અરજી કરી હતી.

અધિકારીનું કહેવું હતું કે તેના પુત્રને લલચાવી, ફોસલાવીને મહિલા ટીચર પોતાની સાથે ભગાડી ગઈ છે. તેમનો દીકરો શુક્રવારે સાંજે ચાર વાગ્યા બાદ ગુમ થયો છે અને ક્લાસ ટીચરની પણ કોઈ ભાળ નથી.

કલોલ પોલીસે સમગ્ર ઘટનામાં આઇપીસીની કલમ ૩૬૩ અંતર્ગત એફઆઇઆર નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી છે.

મહિલા શિક્ષિકા કલોલ ગામની દરબારી ચાલમાં રહેતી હતી. કલોલ પોલીસે આ કેસમાં આઇપીસીની કલમ ૩૬૩ અંતર્ગત એફઆઇઆર નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

એફઆઇઆર મુજબ શિક્ષિકા કલોલ ગામના દરબારી ચાલમાં રહેતી હતી. વધુમાં અધિકારી પિતાનું કહેવું છે કે ‘શુક્રવારે સાંજે સાત વાગ્યે તેઓ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે દીકરો ઘરમાં નહોતો, જેથી તેમને પોતાની પત્નીને પૂછ્યું હતું, પત્નીએ સાંજે ચાર વાગ્યે દીકરો બહાર ગયો હોવાનું જણાવ્યું હતું, દીકરાએ માતાને થોડી વારમાં બહાર જઈ પાછો આવું છું એમ કહ્યું હતું. જોકે તે પરત આવ્યો ન હતો. ઘટના બાદ દીકરાની સંબંધીઓ, મિત્રો અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી, પરંતુ દીકરો ક્યાંય મળ્યો ન હતો. દીકરાને શોધવા શિક્ષિકાના ઘરે પણ ગયા હતા, પરંતુ ત્યાં પણ કોઈ મળ્યું નહોતું.’

સમગ્ર મામલે કલોલ પોલીસ મથકના પીઆઈનું કહેવું છે કે વિદ્યાર્થી અને શિક્ષિકાની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ સેલ ફોન બન્ને સાથે લઈ ન ગયા હોવાથી લૉકેશન શોધવામાં મુશ્કેલી આવી રહી છે.

શિક્ષિકા વિશે એવું પણ જાણવા મળી રહ્યું છે કે વિદ્યાર્થી અને શિક્ષિકા વચ્ચે અંતરંગ સંબંધ હોવાની વાત ચર્ચાનો વિષય છેલ્લા કેટલાક સમયથી બન્યો છે. આ વાતની જાણ સ્કૂલ ઑથોરિટીને થતાં શિક્ષિકાને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. એક શિક્ષિકા અને વિદ્યાર્થીનો પ્રેમસંબંધ એક રીતે સમાજ માટે બદનામ કરનારો હોય છે ત્યારે અનૈતિક સંબંધ બચાવવા માટે બન્ને ઘર છોડીને ભાગી ગયા હોઈ શકે છે. જોવાનું છે કે ગુરુ અને શિષ્યને શોધવામાં પોલીસ સફળ થાય છે કે નહીં?

gujarat surat