સુરતની યુવતીએ સાજી થયા બાદ ઇન્સ્ટાગ્રામ પર મૂકી ભાવુક પોસ્ટ

31 March, 2020 09:45 AM IST  |  Surat | Tejash Modi

સુરતની યુવતીએ સાજી થયા બાદ ઇન્સ્ટાગ્રામ પર મૂકી ભાવુક પોસ્ટ

પ્રતીકાત્મક તસવીર

લંડનથી આવેલી સુરતની યુવતી રીટા બચકાનીવાલા કોરોના વાઇરસ સામેનો જંગ જીતીને આઇસોલેશનમાંથી હવે ઘરે આવી ગઈ છે. ૨૧ વર્ષની એ યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ પર એક ભાવુક અને હૃદયસ્પર્શી પોસ્ટ મૂકી છે, જેને વાંચીને લોકો તેની વિકટ પરિસ્થિતિ વિશે વિચારી શકે છે, કારણ કે જ્યારે આ યુવતીનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો ત્યારે લોકોએ વગર કશું વિચાર્યા વિના એની ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

લંડનથી આવેલી આ યુવતી સુરતમાં સૌથી પહેલાં કોરોનાગ્રસ્ત જાહેર થઈ હતી. સારવાર દરમ્યાન રિકવરી સ્ટેજ આવ્યા બાદ તે સારી થઈને ઘરે પહોંચી ગઈ છે. કોરોનાનાં લક્ષણ બંધ થયા બાદ તેનો પહેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને ૨૪ કલાક બાદ બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવતાં યુવતીને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ૧૫ માર્ચે આ યુવતી લંડનથી સુરત આવી હતી અને ત્યાર બાદ કોરોના પૉઝિટિવ કેસ થતાં તેને આઇશોલેશનમાં દાખલ કરવામાં આવી હતી.

આ વિકટ સમય પસાર કર્યા બાદ યુવતીએ પ્રથમ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ભાવુક સંદેશો લોકો માટે લખ્યો છે, જેમાં તેણે લખ્યું છે કે ‘આપણે એક મોટી યોજનાનો ભાગ છીએ, જેની આપણને ખબર નથી. હું એક શક્તિશાળી સર્વાઇવર તરીકે ગંભીર મહામારીમાંથી બહાર આવી છું. આઇસોલેશનમાં સારવાર દરમ્યાન હું મારી જાતને ઓળખી શકી અને આધ્યાત્મિકતા તરફ વળી ગઈ હતી. આ ત્યારે જ સંભવ બની શક્યું જ્યારે મારો પરિવાર, મિત્રો, શુભેચ્છકો અને ખાસ કરીને ઈશ્વરના આશીર્વાદ મારી સાથે હતા. હું સમગ્ર વિશ્વ માટે પ્રાર્થના કરું છું. હું પ્રાર્થના કરું છું એ તમામ લોકો માટે જેઓ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે સંક્રમિત થયા હોય તેઓ વહેલામાં વહેલી તકે સાજા થાય. હું એ લોકો માટે પણ પ્રાર્થના કરું છું જે લોકોએ પોતાની મૂર્ખાઈ બતાવીને મારી તકલીફનો આનંદ લીધો. મારી યાત્રા ગુજરાતના પ્રથમ કોરોના સંક્રમિત વ્યક્તિથી થઈ અને ગુજરાતમાં જ પ્રથમ કોરોનાને માત આપનાર વ્યક્તિ તરીકે પૂર્ણ થઈ.’

જોકે પ્રથમ ક્લિપમાં ડૉક્ટરોનો આભાર માનવાનું ભૂલી ગયેલી રીટાએ બીજો વીડિયો પૉસ્ટ કરીને તેની સારવાર કરનાર ડૉક્ટરો અને હૉસ્ટિપલના સ્ટાફનો આભાર માન્યો હતો.

gujarat surat coronavirus covid19