ફાયર-સેફ્ટી મેઇન્ટેન ન થતી હોવાથી કૃષિબજારને સીલ મરાયું

12 February, 2020 12:46 PM IST  |  Surat

ફાયર-સેફ્ટી મેઇન્ટેન ન થતી હોવાથી કૃષિબજારને સીલ મરાયું

પ્રતીકાત્મક તસવીર

તક્ષશિલા અગ્નિકાંડ અને રઘુવીર માર્કેટમાં લાગેલી આગ બાદ ફાયર વિભાગ દોડતો થયો છે. સુરતમાં ફાયર વિભાગે અપૂરતી ફાયર સુવિધાવાળી મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ફાયર વિભાગે ફાયર સિસ્ટમ મેઇન્ટેન ન હોવાથી કૃષિબજારને સીલ મારી દીધું છે. ફાયર સિસ્ટમ મેઇન્ટેન કરવાને લઈને ફાયર વિભાગે અગાઉ નોટિસ આપી હતી. જોકે કોઈ કાર્યવાહી ન થતાં આખરે સીલ મારી દેવામાં આવ્યું છે.

તક્ષશિલા અગ્નિકાંડે દેશભરમાં ચકચાર જગાવી હતી અને આ ઘટના બાદ આવી ઘટના બીજી વખત ન બને એ માટે ફાયર વિભાગ સફાળો જાગ્યો છે. સુરતમાં ફાયર વિભાગે સર્વે હાથ ધર્યો છે અને અપૂરતી ફાયર સુવિધાવાળી મિલકતોને નોટિસ આપવામાં આવી રહી છે અને નોટિસની અવગણના થતાં સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા સુરતના કૃષિ બજારને સીલ મારી દેવામાં આવ્યું છે. ૧૨૪ જેટલી ઑફિસ અને દુકાનો આવેલી છે. આ ઉપરાંત સિટી ટેક્સટાઇલ માર્કેટને પણ ફાયર વિભાગે અપૂરતી ફાયર સુવિધાના કારણે સીલ મારી દીધું છે.

આ પણ વાંચો : પીપાવાવ પોર્ટ પર સિંહ પરિવારના આંટાફેરાથી લોકોમાં ફફડાટ

મહાનગરપાલિકાના ચીફ ફાયર-ઑફિસર વસંત પરીખે જણાવ્યું હતું કે રિન્ગ રોડ પર આવેલી કૃષિબજારમાં ફાયર સિસ્ટમ મેઇન્ટેન ન હોવાની નોટિસ ફટકારવામાં આવી હતી જેથી સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટ સહિતની ઇમારતોમાં આવેલી દુકાનોમાં પણ અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ ૨૨,૫૦૦ જેટલી દુકાનોને સીલ કરવામાં આવ્યું છે. સાથે જ ફાયર-બ્રિગેડ દ્વારા સર્વે અને સીલિંગની કામગીરી કમિશનરસાહેબના આદેશ મુજબ સતત કરવામાં આવી રહી છે. જ્યાં પણ ફાયર-સેફ્ટીની અપૂરતી સુવિધા સામે આવે ત્યાં નોટિસ ફટકાર્યાના દિવસોમાં કામગીરી ન થાય ત્યાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

surat gujarat