માનસિક તનાવમાં દસમા ધોરણની વિદ્યાર્થિનીએ આપઘાત કરતાં ખળભળાટ

01 February, 2020 10:03 AM IST  |  Surat

માનસિક તનાવમાં દસમા ધોરણની વિદ્યાર્થિનીએ આપઘાત કરતાં ખળભળાટ

પ્રતીકાત્મક તસવીર

ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વિદ્યાર્થીઓથી લઈ વાલીઓમાં પણ બોર્ડની પરીક્ષાનું ટેન્શન અત્યારથી દેખાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડમાં સારા માર્ક્સ સ્કોર કરવા માટે દિવસ-રાત એક કરી રહ્યા છે. એવામાં બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. સુરતમાં પ્રિલિમનરી પરીક્ષામાં ગુજરાતની પેપર ખરાબ જવાને કારણે માનસિક તનાવમાં આવીને ધોરણ ૧૦ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

સુરતના અડાજણમાં રહેતી ૧૫ વર્ષની હીર મોઢિયા ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હતી. હાલ તેની સ્કૂલ સંસ્કાર ભારતીમાં પ્રિલિમનરી પરીક્ષાઓ ચાલતી હતી. આ પરીક્ષામાં ૨૯ જાન્યુઆરીએ હીરનું ગુજરાતીનું પેપર ખરાબ ગયું હતું. પેપર ખરાબ જવાને કારણે તે સતત ચિંતામાં રહેતી હતી. જોકે ૩૦ જાન્યુઆરીએ ગણિતનું પેપર સારું ગયું હતું. પણ તેના દિમાગમાં ગુજરાતીનું પેપર ખરાબ ગયું હોવાની જ વાત ચાલી રહી હતી. તે સતત માનસિક તનાવનો સામનો કરી રહી હતી ત્યારે ગુરુવારે સાંજે હીરની માતા ઘરવખરી લેવા માટે બહાર ગઈ હતી. એવામાં જ હીરે હૉલમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. ત્યારે બોર્ડની પરીક્ષા પહેલાં જ વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.

gujarat surat suicide