ગુજરાત કી આંખોં કા તારા સાપુતારા પર મંદીનો ડાઘ

28 October, 2019 07:56 AM IST  |  નવસારી | રોનક જાની 

ગુજરાત કી આંખોં કા તારા સાપુતારા પર મંદીનો ડાઘ

સાપુતારા જતા પ્રવાસીઓ ઘટ્યા

મંદીનો માર સહન કરતા વિવિધ ઉદ્યોગોની સાથે પહેલી વાર પ્રવાસન ઉદ્યોગને પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જોકે આ નુકસાન પાછળ હોટેલ-સંચાલકોની સાગમટે કમાઈ લેવાની વૃત્તિ જવાબદાર હોવાનું કહીએ તો જરા પણ ખોટું નથી.
દિવાળીના માહોલ વચ્ચે દેશમાં મંદીની અસર વર્તાઈ રહી છે. ઑટોમોબાઇલ, રિયલ એસ્ટેટ, ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અને હીરા ઉદ્યોગમાં મંદીની મારે લોકોની કમર તોડી નાખી છે ત્યારે હવે પ્રવાસન ઉદ્યોગ પણ મંદીથી છેટો રહ્યો નથી. ગુજરાતની આંખના તારા એવા સાપુતારામાં પ્રવાસન વિકાસ માટે ગુજરાત સરકાર કરોડો રૂપિયાનું આંધણ કરે છે, પણ અહીંના હોટેલ-સંચાલકો વધુ કમાઈ લેવાની માનસિકતાને કારણે ડાંગની ગરીબ આદિવાસી પ્રજાને પણ આ દિવાળી ટાણે આર્થિક સંકડામણ વેઠવાનો વારો આવ્યો છે. સાપુતારાની હોટેલોમાં રૂમોનાં ભાડાં સાથે જ અન્ય સેવાઓ માટે તગડી રકમ લેવાતી હોવાની ફરિયાદોને કારણે દિવાળીના દિવસોમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
અહીં મૉન્સૂન ફેસ્ટિવલ, સમર ફેસ્ટિવલ જેવા વિવિધ ઉત્સવો થકી ગુજરાત સરકારને પ્રવાસીઓને આકર્ષવામાં સફળતા મળી છે, જ્યારે આ પ્રવાસીઓને પકડી રાખવાના પ્રયત્નો સદંતર નિષ્ફળ રહ્યા છે જેના કારણે દિવાળીના એક મહિના પહેલાં હોટેલોમાં હાઉસફુલનાં પાટિયાં ઝૂલતાં હતાં ત્યાં આજે હોટેલ-સંચાલકો બુકિંગની રાહ જોઈ રહ્યા છે. 

આ પણ જુઓઃસિતારાઓથી સજી એકતા કપૂરની દિવાળી પાર્ટી, જુઓ ફોટોસ

હોટેલમાલિકો મંદીનો માહોલ હોવાનું જણાવે છે

તુકારામ કર્ડિલે (સેક્રેટરી સાપુતારા હોટેલ અસોસિએશન) જણાવે છે કે આ વખતે મંદીની અસર સાપુતારામાં જોવા મળી છે. સામાન્ય રીતે નવરાત્રિ બાદ તરત અમારે ત્યાં બુકિંગ થવાની શરૂઆત થતી હતી અને દિવાળીના ૧૫ દિવસ પહેલાં સાપુતારાની દરેક હોટેલો ફુલ થઈ જતી. જોકે આજે અહીં માત્ર ૨૫ ટકા બુકિંગ છે. મારે ત્યાં મુંબઈની પાર્ટીએ નોંધાવેલા લગ્નપ્રસંગના ૩ ઑર્ડર પણ રદ થયા છે.
પ્રવાસીઓના મત મુજબ સાપુતારા એક પિકનિક પૉઇન્ટ
મારા મત મુજબ એક દિવસની પિકનિક માટે સાપુતારા ઠીક છે. બોટિંગ માટે એક લેક, રોપવે અને હવા અનુકૂળ હોય તો પૅરાગ્લાઇડિંગ એ સિવાય અહીં કોઈ વિશેષતા નથી. હોટેલની રૂમનું ભાડું વધારે છે જે જોતાં આ બજેટમાં મહાબળેશ્વર કે માઉન્ટ આબુ સારો ઑપ્શન છે એમ જનક કંટાળી (એન.આર.આઇ.-નવસારી) જણાવી રહ્યા છે.

gujarat Places to visit in gujarat