જાન રવાના થઈ, પણ કન્યાને લેવા નહીં, દીકરાને ખુશ કરવા

13 May, 2019 08:32 AM IST  |  સાબરકાંઠા | રશ્મિન શાહ

જાન રવાના થઈ, પણ કન્યાને લેવા નહીં, દીકરાને ખુશ કરવા

બેન્ડ, બાજા, બારાત, પણ દુલ્હા માટે દુલ્હન જ નહીં

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા ચાંપલાનાર ગામમાં રહેતા અજય બારોટનાં લગ્નનો શનિવારે વરઘોડો નીકળ્યો હતો અને મસ્તમજાનો ૧૫૦ માણસોનો જમણવાર પણ થયો હતો. ફેરા ફરવામાં આવ્યા હતા અને સામૈયું પણ થયું હતું, પરંતુ આ બધામાં એક કન્યાની કમી હતી. વરરાજા હતા, પણ વધૂ નહોતી. આનું કારણ ઇમોશનલ છે. અજય બારોટના પપ્પા વિષ્ણુભાઈ બારોટ કહે છે, ‘કુટુંબનાં સગાંવહાલાંઓનાં દીકરા-દીકરીઓનાં લગ્ન જોઈને અજયને પણ લગ્ન કરવાનું બહુ મન થતું હતું, પણ તેની માનસિક હાલત નબળી છે એટલે તેને કોઈ દીકરી આપે નહીં અને ધારો કે આપે તો પણ આપણે કોઈનો સંસાર ખરાબ કરવો ન જોઈએ એવું ધારીને અજયને રાજી રાખવા અમે કન્યા વિનાનાં આ લગ્નનું આયોજન કર્યું હતું અને એમાં અમારાં બધાં સગાંવહાલાંઓને પણ બોલાવ્યાં અને અજયને રાજી રાખવા બધી વિધિ પણ કરી. જમણવાર વખતે ચાંદલો લખાવવાનું કામ પણ અમે કર્યું.’

આ પણ વાંચો: સુરત: દીકરીને કચરાપેટીમાં ફેંકનાર સુરતની નિષ્ઠુર મમ્મીની મધર્સ ડેના દિવસે જ ધરપકડ

અજયના વરઘોડામાં તેનાં ભાઈ-બહેન નાચ્યાં પણ ખરાં અને અજયના પપ્પા વિષ્ણુભાઈ તથા મમ્મી રાધાબહેને પણ મન મૂકીને નાચીને અજયને લગ્નનો આનંદ લેવડાવ્યો. મજાની વાત એ છે કે એ અજયની બીજી મમ્મી છે, પણ અજયની ખુશી માટે તેની આ બીજી મમ્મીએ જ તેના પપ્પાને તૈયાર કર્યા અને લગ્નમાં બે લાખ રૂપિયાથી વધારે ખર્ચ પણ કર્યો. અજયની મમ્મીએ કહ્યું, ‘ઈશ્વર આવું દુ:ખ કોઈને ન આપે અને જેના નસીબમાં આવું દુ:ખ હોય તેને એ સહન કરવાની ક્ષમતા આપે. અજય પોતાનાં જ લગ્નમાં રડી પડ્યો, પણ અમને ખુશી એ વાતની છે કે તે રાજી થઈને રડ્યો હતો.’

gujarat Rashmin Shah