ગુજરાતના ગીર-ગઢડા અને વંથલીમાં 4-4 ઇંચ વરસાદ

15 July, 2020 01:28 PM IST  |  Gandhinagar | Agencies

ગુજરાતના ગીર-ગઢડા અને વંથલીમાં 4-4 ઇંચ વરસાદ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં ચોમાસાએ ફુલ જમાવટ કરી છે ત્યારે ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકના વરસાદના આંકડા પર એક નજર કરી લઈએ. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના વંથલીમાં અને ગીર સોમનાથ જિલ્લાના ગીર-ગઢડામાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં સવા ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ, જૂનાગઢ અને જૂનાગઢ શહેરમાં તેમ જ સુરતના કામરેજમાં ૨ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. મોરબીના વાંકાનેરમાં પણ ૨ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમ છેલ્લા ૨૪ કલાક દરમ્યાન રાજ્યના આઠ તાલુકામાં ૨ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. તો રાજ્યના ૨૬ તાલુકામાં ૧ ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં સવારે ૮ વાગ્યા સુધીમાં ૯ તાલુકામાં મેઘમહેર થઈ છે. રાજ્યના દક્ષિણ ગુજરાતમાં તાલુકામાં સવારથી વરસાદ પડી રહ્યો છે. સુરતના ચોર્યાસીમાં ૧ ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે. તો નવસારીના જલાલપુર અને ડાંગના આહવામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમા વરસાદ તૂટી પડ્યો હતો. આઠ તાલુકા પૈકી ૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ઇડરમાં ૧૫ મિ.મી., પોશીનામાં ૦૭ મિ.મી. અને વડાલીમાં ૦૨ મિ.મી. વરસાદ પડ્યો છે. અમરેલીમાં રાજુલા- સાવરકુંડલા સ્ટેટ હાઇવે બંધ કરાયો છે. જૂની માંડરડી ગામ પાસે આવેલ પુલ બેસી જતાં રિપેરિંગ કામ શરૂ કરાયું છે, જેથી પુલ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે. તંત્ર દ્વારા ઘાતરવડી નદીમાંથી પાઇપલાઇન મૂકી ડ્રાઇવર્ઝન કઢાયું હતું. ઉપરવાસમા પડેલ વરસાદના કારણે પાઇપો તણાઈ ગઈ હતી, જેથી ડાઇવર્ઝન પણ બંધ થયું હતું. રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઇવે બંધ થતાં હવે ૨૫ કિ.મી. દૂર ફરીને વાહનચાલકોને જવું પડશે.

આગાહી વચ્ચે સવારે છ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી નવસારીના જલાલપોરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. નવસારી શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

gujarat ahmedabad gandhinagar Gujarat Rains kutch saurashtra