સમગ્ર સૌરાષ્ટ્ર મેઘરાજામાં તરબોળ-તરબોળ, ગીર સોમનાથમાં 4 ઇંચ વરસાદ

05 August, 2020 01:20 PM IST  |  Gir Somnath | Agencies

સમગ્ર સૌરાષ્ટ્ર મેઘરાજામાં તરબોળ-તરબોળ, ગીર સોમનાથમાં 4 ઇંચ વરસાદ

પ્રતીકાત્મક તસવીર

સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની દે ધનાધન બેટિંગ જોવા મળી રહી છે. અહીં સુત્રાપાડા, કોડિનાર અને ઉનાના દરિયાકાંઠાનાં ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૂત્રાપાડામાં ૮ કલાકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. કોડિનારમાં સારો એવો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનાં ગામોમાં વરસાદ ખાબક્યો છે. તો વેરાવળમાં પોણોથી ૧.૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે આજે સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓળઘોળ બન્યા છે. આજે વહેલી સવારથી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં એકથી ૫ ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. સારા વરસાદથી જગતનો તાત પણ ખુશખુશાલ બન્યો છે. વરસાદથી ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. માંગરોળમાં કામનાથ મહાદેવ મંદિર નજીક ઓળી નદીમાં પૂર આવતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. તાલાલા અને ગીર ગઢડામાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. ધોધમાર વરસાદથી દરિયાકાંઠાના મુખ્ય રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાયાં છે. આમ લાંબા બ્રેક બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન થયું છે. રાજ્યમાં આજે સવારથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ જામ્યો છે. સવારે ૮ વાગ્યા સુધીમાં રાજ્યના ૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

સાતેય તાલુકા સૌરાષ્ટ્ર ઝોનના છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં બે કલાકમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો ગીર સોમનાથના સુત્રાપાડામાં બે કલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં બે કલાકમાં ૧.૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના કોડિનારમાં પણ અડધો ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. આમ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૨૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડામાં ચાર ઇંચ જેટલો વરસાદ છે. અમરેલીના બગસરા અને ગીર સોમનાથના કોડિનારમાં છેલ્લા ૨૪ કલાકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં વરસાદી વાદળો સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

વહેલી સવારથી જ જિલ્લામાં અનેક ઠેકાણે ઝરમર વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે. સવારથી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જૂનાગઢના માંગરોળ તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. વહેલી સવારે બે કલાકમાં ધોધમાર ૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો માંગરોળ તાલુકામાં સવારે ૬થી ૮ દરમ્યાન ૯૧ મિમી વરસાદ નોંધાયો છે. માંગરોળ તાલુકામાં અત્યાર સુધીમાં સીઝનનો ૨૨ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને લઈને શહેરના રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા છે, તો ખેતરો પાણીથી તરબોળ થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ઉકળાટ બાદ સવારે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડકનો માહોલ જોવા મળ્યો છે જેથી લોકો પણ ખુશખુશાલ છે. અલબત્ત, આવો જ વરસાદ આગામી પાંચ દિવસ પડવાનો છે એવી આગાહીને કારણે વરસાદ આફત ન બને એનો લોકોને ભય છે.

gujarat Gujarat Rains ahmedabad