ગુજરાતમાં મોસમનો ૯૬ ટકા વરસાદ પડ્યો

19 August, 2022 08:31 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૫૦ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૭.૯૪ ટકા વરસાદ

ફાઇલ તસવીર

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સીઝન પ્રમાણમાં સારી રહી હોવાનું જણાઈ રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ ૯૬ ટકા વરસાદ પડ્યો છે, જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૫૦ ટકા વરસાદ પડ્યો છે. બીજી તરફ ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધી ગુજરાતમાં માત્ર બે તાલુકામાં જ એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. સૌથી વધુ કચ્છ જિલ્લામાં વરસાદ પડ્યો છે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૦૬.૪૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૯૫.૧૭ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૮૭.૯૪ ટકા અને પૂર્વ ગુજરાતમાં ૭૮.૯૪ ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધી ૧૬૭ તાલુકાઓમાં ઓછા-વત્તા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાં ૩૨ મિમી વરસાદ પડ્યો હતો, જ્યારે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૩૦ મિમી વરસાદ પડ્યો હતો. બાકીના તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.

gujarat gujarat news Gujarat Rains