ચોમાસાના અંતિમ તબક્કા દરમ્યાન નવસારી જિલ્લાને ધમરોળતો વરસાદ

20 September, 2022 08:43 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગણદેવીમાં પાંચ ઇંચ, જલાલપોરમાં સાડાચાર ઇંચથી વધુ, પલસાણામાં સાડાત્રણ ઇંચથી વધુ અને નવસારીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડતાં જનજીવન પ્રભાવિત

પ્રતીકાત્મક તસવીર

ચોમાસાના અંતિમ તબક્કામાં ગઈ કાલે નવસારી જિલ્લાને વરસાદે ધમરોળ્યો હતો. નવસારીના ગણદેવીમાં પાંચ ઇંચથી વધુ, જલાલપોરમાં સાડાચાર ઇંચથી વધુ અને નવસારીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો; જ્યારે સુરત જિલ્લાના પલસાણામાં સાડાત્રણ ઇંચથી વધુ વરસાદ પડતાં જનજીવન પ્રભાવિત થયું હતું.

ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધી ૨૨ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, જેમાંથી દક્ષિણ ગુજરાતના ૨૦ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં સવારે ૮થી બપોરે ૧૨ વાગ્યા સુધીના ચાર કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જલાલપોરમાં સવારે બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લાના વઘઈ, સુબીર અને આહવામાં બે ઇંચથી વધુ, વલસાડના ઉમરગામમાં અને નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં દોઢ ઇંચથી વધુ અને તાપી જિલ્લાના ડોલવણમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. એ ઉપરાંત સુરત, ડાંગ, વલસાડ, તાપી સહિતના દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો હતો.

gujarat gujarat news Gujarat Rains navsari