દ્વારકાના જગત મંદિરનાં પગથિયાં બન્યાં ઝરણું

09 July, 2022 08:50 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

કપરાડામાં આઠ ઇંચથી વધુ મુશળધાર વરસાદ પડ્યો

ફાઇલ તસવીર

ગુજરાત પર છેલ્લા કેટલાક દિવસથી અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે. ગઈ કાલે પણ ગુજરાતમાં મેઘમહેર થઈ હતી. દક્ષિણ ગુજરાતના કપરાડામાં આઠ ઇંચથી વધુ મુશળધાર વરસાદ વરસ્યો હતો, જ્યારે વરસાદની આ સીઝનમાં પહેલી વાર એકસાથે ૨૦ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. બીજી તરફ હજી પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૯૫ તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. એમાં પણ ૩૧ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. કચ્છ, સૌરાષ્ટ્ર તેમ જ દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો હતો. કચ્છ, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો.

વાંસદા તાલુકામાં સાડાછ ઇંચ, મહુવા (સુરત) અને વ્યારામાં છ ઇંચથી વધુ, ડોલવણમાં છ ઇંચ, ચીખલીમાં સાડાપાંચ ઇંચ, દ્વારકામાં સવાપાંચ ઇંચ, ઉમરપાડામાં પાંચ ઇંચ, નિઝરમાં પાંચ ઇંચ, નખત્રાણામાં સાડાચાર ઇંચ, ખેરગામમાં ચાર ઇંચથી, વઘઈ, જોડિયા, ખંભાળિયા, વિસાવદર, સાગબારા, કલ્યાણપુર અને બારડોલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. 

દ્વારકાના જગત મંદિરનાં પગથિયાં બન્યાં ઝરણું

સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ગઈ કાલે થયેલી મેઘમહેરને લીધે જગત મંદિરનાં પગથિયાં ઝરણું બની ગયાં હતાં. પગથિયાં પરથી વહી રહેલાં પાણી વચ્ચે દર્શનાર્થીઓએ પગથિયાં પર બેસીને પ્રભુના સાનિધ્યમાં મેઘમહેરને માણી હતી. દ્વારકામાં ગઈ કાલે સવારથી જ વરસાદ પડવાનો શરૂ થયો હતો અને દિવસ દરમ્યાન ૧૩૨ મી.મી. એટલે કે સવાપાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મંદિરથી ગોમતીઘાટ તરફની છપ્પન પગથિયાં સીડી પરથી વરસાદી ધસમસતું પાણી વહ્યું હતું જેને લીધે આ પગથિયાં પર આહલાદક નજારો સર્જાયો હતો. મંદિરમાંથી  ખળ-ખળ કરતું ઝરણું વહેતું હોય એમ પગથિયાં પરથી પાણી નીચે આવી રહ્યાં હતાં. ભગવાનના દર્શને આવેલા દર્શનાર્થીઓએ પગથિયાં પર બેસીને પ્રભુના સાનિધ્યમાં મેઘમહેરને માણી હતી તેમ જ ફોટા પાડવાનું અને સેલ્ફી લેવાનું પણ ચૂક્યા નહોતા.

gujarat gujarat news Gujarat Rains Weather Update