તાપીમાં પાણી છોડાતાં તંત્ર અલર્ટ

12 August, 2022 08:28 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ડૅમમાં સતત વધી રહેલી જળસપાટીને ધ્યાનમાં લઈને તંત્ર સજાગ થઈ ગયું હતું

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને હથનુર ડૅમમાંથી પાણી છોડાતાં ગુજરાતમાં આવેલા ઉકાઈ ડૅમમાંથી ગઈ કાલે ૧,૮૧,૫૭૬ ક્યુસેક પાણી છોડાતાં સુરતમાં ફરી વાર તાપી નદી બે કાંઠે વહેતી થઈ હતી. નદીમાં પાણીનો સ્તર વધતાં સુરતનું તંત્ર અલર્ટ થઈ ગયું હતું.

ઉકાઈ ડૅમના ઉપરવાસમાં મહારાષ્ટ્રમાં આવેલા હથનુર ડૅમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું, એ ઉપરાંત ઉકાઈ ડૅમના કૅચમેન્ટ એરિયામાં પણ વરસાદ પડવાના કારણે ડૅમમાં પાણીનો આવરો વધ્યો હતો. ડૅમમાં સતત વધી રહેલી જળસપાટીને ધ્યાનમાં લઈને તંત્ર સજાગ થઈ ગયું હતું અને ઉકાઈ ડૅમના ૧૨ દરવાજા ખોલીને ૧,૮૧,૫૭૬ ક્યુસેક પાણી છોડાવામાં આવ્યું હતું. તાપી નદીમાં પાણી છોડવામાં આવતાં સુરતમાંથી તાપી નદી વેગ સાથે વહેતી જોવા મળી હતી અને શહેરના કંઈકેટલાય ઓવારા જળમગ્ન થયા હતા.

gujarat gujarat news Gujarat Rains