ઉમરપાડામાં છ કલાકમાં સાડાછ ઇંચ વરસાદ

01 July, 2022 10:59 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા, નવસારી, ભરૂચ, વલસાડ, ડાંગ જિલ્લાઓમાં વરસાદ, સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાયો, ભારે વરસાદના પગલે સામાન્ય જનજીવન પ્રભાવિત

વલસાડમાં બુધવારે રાત્રે પડેલા વરસાદના પગલે રેલવે અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ ગયાં હતાં

ગઈ કાલે દક્ષિણ ગુજરાતમાં મેઘો મુશળધાર વરસ્યો હતો. સુરત જિલ્લાના ઉમરપાડામાં છ કલાકમાં સાડાછ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જ્યારે બુધવારે રાત્રે વલસાડમાં છ ઇંચ વરસાદ પડતાં વલસાડ પાણી-પાણી થઈ ગયું હતું. ભારે વરસાદના પગલે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું.

ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૭૭ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. ગઈ કાલે દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા, નવસારી, ભરૂચ, વલસાડ, ડાંગ જિલ્લાઓમાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો.

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૧૬૧ મિમી એટલે કે સાડાછ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ૭૭ મિમી એટલે કે ત્રણ ઇંચથી વધુ, સુરત જિલ્લાના માંગરોળમાં ૭૧ મિમી એટલે કે ત્રણ ઇંચ જેટલો, સુરત જિલ્લાના કામરેજ અને નર્મદા જિલ્લાના સાગબારામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ૪૬ મિમી એટલે કે બે ઇંચ જેટલો અને ખેડા જિલ્લાના નડિયાદમાં ૪૩ મિમી એટલે કે પોણાબે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લાના કામરેજમાં પડેલા વરસાદના કારણે નૅશનલ હાઈ‍એ પાણી ભરાઈ જતાં ટ્રાફિક જૅમ થઈ ગયો હતો.

શાકમાર્કેટમાં પણ પાણી ભરાઈ જતાં લોકો પરેશાન હતા

દક્ષિણ ગુજરાતના ધરમપુર, ખાંભા, ચોર્યાસી, આહવા, નેત્રંગ, નવસારી, વાલિયા, અંકલેશ્વરમાં તેમ જ સૌરાષ્ટ્રના ભાવનગરના મહુવા, અમરેલી, પાલીતાણા, કલ્યાણપુર તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

બીજી તરફ બુધવારે રાત્રે વલસાડમાં છ ઇંચ વરસાદ પડતાં વલસાડ પાણી-પાણી થઈ ગયું હતું. ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. વલસાડમાં રેલવે અન્ડરપાસ, તીથલ રોડ, કૉલેજ રોડ સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગઈ કાલે વલસાડમાં ૧૭ મિમી એટલે કે અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

 

gujarat gujarat news Weather Update Gujarat Rains