ગુજરાત વરસાદ અપડેટ: મહેસાણા અને કડીમાં વરસાદી આફત

22 August, 2020 11:29 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાત વરસાદ અપડેટ: મહેસાણા અને કડીમાં વરસાદી આફત

ગુજરાત વરસાદ અપડેટ

ઉત્તર ગુજરાતના હાર્દસમા મહેસાણામાં ગઈ કાલે મુશળધાર તો કડીમાં કડાકાભેર મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ગઈ કાલે સવાર સવારમાં જ મહેસાણામાં ચાર ઇંચ અને કડીમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતાં બન્ને શહેરો પાણી પાણી થઈ ગયાં હતાં.

ગઈ કાલે મેઘરાજાએ ઉત્તર ગુજરાતનો વારો કાઢ્યો હોય તેમ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારથી જ સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. મહેસાણા, કડી, જોટાણા, કલોલ, પાટણ, હારીજ, ગાંધીનગર, દહેગામ, માણસા, ચાણસ્મા સહિતના પંથકમાં વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે ક્યાંક ખુશી તો ક્યાંક હાલાકી સર્જાઈ હતી. ગઈ કાલે મહેસાણામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો પરંતુ તેમાં સવારે ૮થી ૧૦ વાગ્યા દરમ્યાન માત્ર બે કલાકમાં જ ત્રણ ઇંચથી વધુ વરસાદ પડતા મહેસાણા જાણે કે જળબંબોળ બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. મહેસાણામાં વાહનવ્યવહાર માટેના બે મહત્વના માર્ગ ગોપીનાળા અને ભમ્મરિયા નાળામાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. તેમાં પણ ગોપી નાળું તો જાણે સ્વીમિંગ પૂલ બની ગયું હોય તેમ આખું નાળું ભરાઈ ગયું હતું. આ ઉપરાંત નાગલપુર હાઇવે, મોઢેરા રોડ, કારકૂન ચાલ, વિસનગર રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.

બીજી તરફ કડીમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તેમાં પણ સવારે ૧૦થી ૧૨ વાગ્યાના બે કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડતાં કડીમાં ચારેકોર પાણી ભરાઈ ગયાં હતાં. ઉત્તર ગુજરાતના કલોલ, હારીજ, ગાંધીનગર, દહેગામમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

સાંજે ચાર વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૩૩ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાત ઉપરાંત કચ્છમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. કચ્છના લખપત તાલુકામાં ચાર ઇંચ જેટલો, ભુજ અને અંજાર તાલુકામાં બે ઇંચથી વધુ, નખત્રાણા તાલુકામાં દોઢ ઇંચથી વધુ અને ભચાઉ તેમ જ ગાંધીધામ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સુરત શહેરમાં પણ વરસાદ પડતાં ઉધના, સચિન સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. બીજી તરફ ભેદવાડ ખાડીનાં પાણી પાંડેસરા વિસ્તારમાં ફરી વળતાં ભારે હાલાકી સર્જાઈ હતી.

આ ઉપરાંત વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પોણાપાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જામનગરના લાલપુર તાલુકામાં ત્રણ ઇંચ જેટલો જ્યારે આણંદમાં બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

અમદાવાદમાં ભારે વરસાદથી હાલાકી

ઉત્તર ગુજરાતની સાથે સાથે ગઈ કાલે સવારે અમદાવાદમાં પણ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે ગુરુવારે મોડી રાત્રે દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ગઈ કાલે અમદાવાદના રાણીપ વિસ્તારમાં બે ઇંચ, સરખેજમાં દોઢ ઇંચ, વટવામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. જોકે ગુરુવારે મોડી રાત્રે ભારે વરસાદ પડતાં નદીપારના વિસ્તારોમાં તો પાણી ભરાયાં હતાં પરંતુ કોટ વિસ્તારમાં ત્રણ દરવાજા તેમ જ રેવડી બજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં.

gujarat ahmedabad mehsana Gujarat Rains gandhinagar shailesh nayak