01 June, 2025 06:46 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ગુજરાતના પોલીસ-ચીફ વિકાસ સહાયે રાજ્યની તમામ સ્કૂલોના સ્ટુડન્ટ્સની સુરક્ષા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે, જેમાં સ્કૂલો દ્વારા યોજાતા પ્રવાસમાં હવેથી બે પોલીસ ફરજિયાત રાખવાના રહેશે.
ગુજરાતમાં આવેલી સરકારી, અર્ધ સરકારી અને ખાનગી સહિત તમામ સ્કૂલોમાં સ્ટુડન્ટ્સ માટે યોજાવામાં આવતા પ્રવાસ, પિકનિક કે મુલાકાત જેવા કાર્યક્રમોમાં બે ગણવેશધારી પોલીસ-કર્મચારીઓની હાજરી ફરજિયાત બનાવવામાં આવી છે. જો પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ સામેલ હોય તો મહિલા પોલીસ-કર્મચારીઓને સાથે રાખવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. આ માટે સ્કૂલના આચાર્યએ સ્થાનિક પોલીસ-સ્ટેશનનો સંપર્ક કરવાનો રહેશે. સ્ટુડન્ટ્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયથી પ્રવાસ દરમ્યાન સ્ટુડન્ટ્સની સુરક્ષા-સલામતી સુનિશ્ચિત થઈ શકશે તેમ જ સ્ટુડન્ટ્સ અને પોલીસ વચ્ચે સેતુ પણ બંધાશે અને સુમેળ કેળવાશે.