10 July, 2024 12:23 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ગુજરાતમાં વ્યાજખોરોના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા લોકોને તેમના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસે રાજ્યમાં નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ખાસ ડ્રાઇવ શરૂ કરીને અત્યાર સુધીમાં ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરીને ગુના દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં ૨૦૨૪ની ૨૧ જૂનથી શરૂ થયેલી ડ્રાઇવ ૩૧ જુલાઈ સુધી ચાલશે. એ સમય દરમ્યાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોકદરબાર યોજવામાં આવી રહ્યા છે જેમાં તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ગુજરાતભરમાં ૫૬૮ લોકદરબાર યોજાયા છે અને એમાં ૩૨,૦૦૦થી વધુ નાગરિકો જોડાયા હતા.
વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નાગરિકોએ પોલીસ સમક્ષ તેમની વ્યથા ઠાલવી હતી. પોલીસની કાર્યવાહીથી ઘણા બધા લોકોની ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પાછી મળી છે.