જાહેરમાં થૂંકતા અમદાવાદીઓએ બે કલાકમાં બે લાખનો દંડ ભર્યો

17 March, 2020 12:06 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

જાહેરમાં થૂંકતા અમદાવાદીઓએ બે કલાકમાં બે લાખનો દંડ ભર્યો

પ્રતીકાત્મક તસવીર

હાલ ભારતભરમાં કોરોના વાઇરસને લઈને સરકાર સાવધાન થઈ ગઈ છે અને દરેક વાત પર સાવચેતી રાખી રહી છે ત્યારે હવે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જાહેરમાં થૂંકનારા પાસે પ૦૦ રૂપિયાનો દંડ વસૂલવાની કામગીરી શરૂ કરાઈ છે. થૂંકવાથી કોરોના વાઇરસ ફેલાતો હોઈ તંત્રે આજથી શહેરભરમાં થૂંકનાર વ્યક્તિને પકડવા ૩૦૦ ટીમ તહેનાત કરી છે.

રાજ્ય સરકારે ઇન્ડિયન ઍકૅડેમિક ઍક્ટ અમલમાં મૂકતાં મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જાહેરમાં થૂંકનારાને પ૦૦ રૂપિયાનો દંડ વસૂલવાની કામગીરી શરૂ કરાઈ છે. થૂંકવા કે છીંક ખાવાથી ઊડતા છાંટાથી કોરોના વાઇરસ ફેલાતો હોઈ તંત્રે આજથી શહેરભરમાં થૂંકનાર વ્યક્તિને પકડવા ૩૦૦ ટીમ તહેનાત કરી છે અને સવારના બે કલાકમાં જ બે લાખથી વધુનો દંડ વસૂલાયો છે.

અગાઉ મ્યુનિસિપલ કૉર્પોરેશને જાહેરમાં થૂંકનારને ૧૦,૦૦૦ રૂપિયાની પેનલ્ટી કરવાની જાહેરાત કરી હતી. જોકે આ જાહેરાતની અમલવારી થઈ શકી નથી, પરંતુ રાજ્ય સરકારે પ૦૦ રૂપિયા વસૂલવાની તાકીદ કરતાં મ્યુનિસિપલ સૉલિડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા રસ્તા પર થૂંકનારા લોકોને પકડીને તેમની સામે દંડની કાર્યવાહી કરવા આજે સવારથી જ ૩૦૦ ટીમ તહેનાત કરાઈ છે. પ્રત્યેક ટીમમાં એક સેનેટરી ઇન્સ્પેક્ટર અને ચાર સફાઈ કર્મચારી મળીને કુલ પાંચ સભ્ય છે.

શહેરના બાગબગીચા, ચાર રસ્તા સહિતનાં તમામ સ્થળોએ આ ૩૦૦ ટીમ આજે સવારના ૯.૩૦ વાગ્યાથી ગોઠવાઈ ગઈ છે અને જાહેરમાં થૂંકનાર પ્રત્યેક નાગરિકને પકડીને તેમની પાસેથી પ૦૦ રૂપિયાનો દંડ વસૂલાઈ રહ્યો છે. આ દંડનીય કાર્યવાહી નવો આદેશ ન મળે ત્યાં સુધી ચાલુ રહેશે.

gujarat ahmedabad