રાજ્યસભા ચૂંટણી પહેલાં કૉન્ગ્રેસ તૂટશે?

12 March, 2020 03:28 PM IST  |  Gujarat

રાજ્યસભા ચૂંટણી પહેલાં કૉન્ગ્રેસ તૂટશે?

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નીતિન પટેલ

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં કૉન્ગ્રેસ તૂટવાના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. વિજય રૂપાણીના નિવેદન બાદ કૉન્ગ્રેસ લાલઘૂમ થઈ હતી અને પલટવાર કર્યો હતો. કૉન્ગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પલટવાર કરતાં કહહ્યું કે જનતાને પણ મુખ્ય પ્રધાન પર વિશ્વાસ રહ્યો નથી.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું, ‘કૉન્ગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની જરૂર છે. અમે તો તેમને ગણકારતા નથી. બધા જાણે છે ગુજરાતમાં શું હાલત છે. ગુજરાતની નેતાગીરી બદલવા માટે આંતરિક બધું ચાલી રહ્યું છે. એમાં મારે કંઈ કહેવાની જરૂર નથી.’

હું જીવીશ ત્યાં સુધી બીજેપીમાં જ રહેવાનો છુંઃ નીતિન પટેલનો સંકલ્પ

મધ્ય પ્રદેશમાં કૉન્ગ્રેસની ખુરશી જવાનું નક્કી જેવું છે. ગુજરાતના રાજકારણમાં પણ કંઈ નવાજૂની થઈ રહી હોવાના અહેવાલ વચ્ચે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ મેદાનમાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી નીતિન પટેલ બીજેપીથી નારાજ હોવાની ચર્ચાઓ પર તેમણે મોટો ખુલાસો કર્યો છે, તેમને સીએમ બનાવવાની ઑફરની વાતોના મામલે કૉન્ગ્રેસ સામે ગુસ્સો ઠાલવ્યો છે. કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ચેતવણી આપતાં કહ્યું છે કે મારું નામ લેતાં પહેલાં હવે વિચાર કરજો, ભરતસિંહે ઑફર કરી હતી કે નીતિન પટેલ બીજેપીમાંથી ૧૫ ધારાસભ્યો લઈને કૉન્ગ્રેસમાં આવી જાય તો તેમને સીએમ બનાવીશું.

એની સામે નીતિન પટેલે કૉન્ગ્રેસને ચેતવણી આપતાં કહ્યું છે કે મારા નામનો ખોટો ઉપયોગ બંધ કરી દેજો, હું જનસંઘથી બીજેપીમાં છું. હું બીજેપી છોડવાનું સપનામાં પણ વિચારી શકું એમ નથી. બીજેપી જ મારી જિંદગી છે. બીજેપીએ મને ઘણુંબધું આપ્યું છે. હું ક્યારેય બીજેપી છોડવાનો નથી. હું જીવીશ ત્યાં સુધી બીજેપીમાં જ રહેવાનો છું.

gujarat Vijay Rupani Nitin Patel bharatiya janata party congress