અમદાવાદનાં ઇતિહાસમાં પહેલીવાર જગન્નાથજીની રથયાત્રા મંદિરના પ્રાંગણમાં

23 June, 2020 03:17 PM IST  |  Ahmedabad

અમદાવાદનાં ઇતિહાસમાં પહેલીવાર જગન્નાથજીની રથયાત્રા મંદિરના પ્રાંગણમાં

આજે ભગવાન જગન્નાથજીનો રથ નગરના રસ્તે જવાને બદલે મંદિરમાનાં પ્રાંગણમાં જ રહ્યો હતો.

કોરોના રોગચાળાને પગલે જગન્નાથજીની રથયાત્રાને લઇને ઘણી ચર્ચા થઇ. અંતે સુપ્રીમ કોર્ટે અમુક નિયમોનું પાલન કરીને જ રથયાત્રા કાઢવી તેવો ચૂકાદો ગઇકાલે આપ્યો. અમદાવાદ શહેરનાં ઇતિહાસમાં 143 ર્ષમાં પહેલીવાર આજે ભગવાન જગન્નાથજીનો રથ નગરના રસ્તે જવાને બદલે મંદિરમાનાં પ્રાંગણમાં જ રહ્યો હતો. રથની પરિક્રમા મંદિરમાં જ કરાવાઇ હતી અને ભક્તોની હાજરી પણ આ રોગચાળાને પગલે પાંખી જ રહી હતી.

ત્રણેય રથનું પ્રસ્થાન મંદિર પરિસરમાં થયું તે પહેલા દોઢ કલાક સુધી મુખ્ય મહંતે ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ વડા સાથે મીટિંગ કરી હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલરામનો રથ મંદિરના પ્રાંગણમાં ફરતો હતો ત્યારે એકવખત બલરામનો મુગટ પણ પડ્યો અને ત્રણેય રથે દસ મીનિટમાં મંદિરની એક એક પરિક્રમા કરી હતી. જે ભક્તો રથયાત્રાના દર્શન માટે આવ્યા હતા તેમના શરીરનું તાપમાન ચેક કરે બાદમાં જ તેમને લાઇનબંધ પ્રવેશ આપવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં રથયાત્રા માટે 10 હાથીઓ લાવવામાં આવ્યા હતા. સવારે 5.58 વાગ્યે ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરાયા ત્યાર બાદ બહેન સુભદ્રાજીને નિયત મુહર્તે રથમાં બેસાડાયા અને ત્યાર બાદ બલરામને બેસાડવામાં આવ્યા હતા. દરેક રથ પર 10 ખલાસીઓ રખાયા હતા. મંગળા આરતી બાદ ભગવાનની આંખેથી પાટા ખોલી નાખી ખીચડાનો ભોગ ધરાવાયો હતો.

ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમનાં પત્ની અંજલી રૂપાણી સાથે મંદિર પહોંચ્યા હતા અને તેમણે જ રથનું પ્રસ્થાન, પહિંદવિધી કરાવી હતી અને ત્યાંથી સાત વાગ્યા બાદ નીકળી ગયા હતા. આજે દિવસ દરમિયાન મંદિરની બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો હતો.

gujarat ahmedabad Rathyatra Vijay Rupani