નવસારી: દીકરાને ભણાવવા માટે હું કિડની વેચવા પણ તૈયાર

21 June, 2019 11:15 AM IST  |  નવસારી

નવસારી: દીકરાને ભણાવવા માટે હું કિડની વેચવા પણ તૈયાર

પિતા જયેશ પટેલ સાથે સાહિલ અને નીચે સાહિલ

ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ઉપસળ ગામ છે જ્યાં ગરીબીની સાથોસાથ સરકારી વ્યવસ્થા સાથે છેલ્લાં ૧૦ વર્ષથી આંખોથી લાચાર એવો મજબૂર બાપ લડી રહ્યો છે. આજે થાકેલા અને હારેલા આ પિતાએ પોતાના હોનહાર બાળકના અભ્યાસ માટે કિડની વેચવાની જાહેરાત કરતાં સંવેદનશીલ સરકારની પોલ ખૂલી ગઈ છે.  

૯૦ ટકા આદિવાસી વિસ્તાર ધરાવતા વાંસદા તાલુકાના ઉપસળ ગામે સામાન્ય પરિવારમાં ઊછરેલો જયેશ પટેલ ૧૯૯૫માં ચીખલી કૉલેજમાંથી ગ્રૅજ્યુએટ થયો, પણ નોકરી ન મળી. ત્યાર બાદ આઇટીઆઇ કર્યું, પરંતુ નોકરી મળે એે પહેલાં તેની આંખોની રોશની જતી રહી. કુદરતની ક્રૂરતા જુઓ કે એ જ સમયે તેમનો દીકરો સાહિલ પણ પાંચ વર્ષનો થયો અને તેણે પહેલા ધોરણથી શૈક્ષણિક યાત્રા શરૂ કરી. જયેશભાઈએ આંખોની રોશની ન હોવા છતાં દીકરાને અભ્યાસ કરવામાં બનતી મદદ કરી. દસમા ધોરણની ર્બોડની પરીક્ષામાં તેની સ્કૂલનાં શિક્ષિકા ભાવના પટેલે સંવેદના બતાવી અને આર્થિક સહાય કરીને ગણિતના વિષયમાં ટuુશન માટે મદદ કરી. આજે સાહિલ દસમા ધોરણમાં ૯૦.૫૭ પર્સન્ટાઇલ રૅન્ક સાથે પાસ થયો છે અને તે આગળ અભ્યાસ કરીને ડૉક્ટર બનવા માગે છે. જોકે વૃદ્ધ માતા સાથે રહેતા જયેશભાઈ પોતે આર્થિક ઉપાર્જન માટે સક્ષમ નથી. તેમનું ઘર ખેતમજૂરી કરીને થોડા પૈસા કમાનાર તેમનાં પત્નીની કમાણી પર ચાલે છે. દીકરાને સાયન્સમાં અભ્યાસ માટે આર્થિક રીતે પહોંચી શકાય એમ ન હોવાથી જયેશભાઈ પોતાની કિડની વેચીને દીકરાના અભ્યાસ માટે પરિવારને મદદ કરવા માગે છે અને એ માટે તેમણે ગામલોકો સમક્ષ મૌખિક જાહેરાત કરી દીધી છે.

દસમાની માર્કશીટ

સાહિલે પોતાની શાળામાં ૯૦.૫૭ પર્સન્ટાઇલ સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી પોતાના પરિવારનું નામ રોશન કયુંર્‍, પરંતુ હવે આગળ અભ્યાસ અર્થે પરિવાર પાસે પૈસા નથી. નોકરી કરીને એક સારું જીવન જીવવાનું પોતાનું સપનું પૂરું ન કરી શકનાર લાચાર દિવ્યાંગ પિતા પોતાના પુત્રનું સપનું પૂરું કરવા માટે તેમની કિડની વેચવા તૈયાર થયા છે અને એ માટે તેઓ કિડની લેનારની શોધખોળ કરી રહ્યા છે.

જોઈ ન શકનાર પિતાની કિડની વેચવાની જીદને લઈને સાહિલ મૂંઝવણમાં મુકાઈ ગયો છે. ડૉક્ટર બનવાનાં સપનાં જોતો સાહિલ અભ્યાસ સાથે બીજું કામ કરવા તૈયાર છે, પણ પિતા કિડની વેચે એ તેને મંજૂર નથી.

ન કોઈએ મદદ કરી છે અને ન અમને સરકારી યોજનાઓનો લાભ ક્યારેય મળ્યો છે

જયેશભાઈને પૂછ્યું કે તમે કોઈની પાસે મદદ માગી કે નહીં? ત્યારે તેમણે ભરેલા અવાજે કહ્યું કે ‘મારી પરિસ્થિતિ જોઈને કોઈ મને મદદ કરતું નથી, ત્યાં સુધી કે સરકારી યોજનાઓનો લાભ પણ મને આપતા નથી. મારી આંખની રોશની ગઈ ત્યારથી અત્યાર સુધી ગામમાં ત્રણ સરપંચ બદલાઈ ચૂક્યા છે. ખેતરોની વચ્ચે રહીએ છીએ, પણ મારા ઘર સુધી સડક આવી નથી. ૭૦ વર્ષની મારી માતા આજે પણ ધુમાડિયા ચૂલા પર રસોઈ બનાવે છે. પંચાયત તરફથી અમને ઉજ્જ્વલા યોજનાનો લાભ પણ આપવામાં આવ્યો નથી ત્યારે મને ખૂબ દુ:ખ થાય છે કે મારા હકનું જો મને કોઈ આપતું નથી તો મારે મદદની આશા શું રાખવાની?’

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંચીમાં ઉજવ્યો યોગ દિવસ, જુઓ ફોટોઝ

નવાસારીના શિક્ષણ અધિકારી શું કહે છે?

બાળક જ્યાં અભ્યાસ કરે છે તે સરકારી ગ્રાન્ટેડ શાળા છે. હું કાલે જ શાળાને સૂચના આપીશ કે આ બાળક પર પૂરતું ધ્યાન આપે અને એની ફી કે અન્ય કોઈ જરૂરિયાત માટે બનતી મદદ કરે.

gujarat navsari