પંખીડા તું માની જજે, સેફ્ટી ફર્સ્ટ રે ઘરવાળીને આજે કે’જે ઘરબા રમે રે

23 October, 2020 06:38 AM IST  |  Rajkot | Rashmin Shah

પંખીડા તું માની જજે, સેફ્ટી ફર્સ્ટ રે ઘરવાળીને આજે કે’જે ઘરબા રમે રે

શહેરભરમાં લગાવેલા હોર્ડિંગ્સ

નવરાત્રિમાં ગુજરાત ઝાલ્યું ઝલાય નહીં એ બધા જાણે છે, પણ આ વર્ષની વાત જુદી છે. કોરોના-સંક્રમણ વચ્ચે મોટા આયોજનની ગુજરાત ગવર્નમેન્ટે ના પાડી, પણ સેફ વિસ્તારમાં સોસયાટી સ્તરે માતાજીની સ્થાપના કરવાની અને ભક્તિભાવ સાથે દેવીમાની આરાધના કરવાની પરમિશન મળી. જોકે આ પરમિશનનો ગેરલાભ લેવાઈ રહ્યો હોવાનું જાણમાં આવતાં અને સોસાયટીમાં લોકો ગરબા રમતા હોવાની ખબર પડતાં સુરત પોલીસે કડક પગલાં લેવાને બદલે લોકોની આંખો ખૂલે અને કોરોના હજી પણ અકબંધ છે એ વાત સૌકોઈના ધ્યાનમાં રહે એ માટે નવરાત્રિ સ્પેશ્યલ કૅમ્પેન કર્યું, જેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. ગરબા આ વખતે ઘરમાં લેવાના છે એવા મેસેજના આ કૅમ્પેનમાં ગરબાના સ્થાને ‘ઘરબા’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો અને શહેરભરમાં હોર્ડિંગ્સ લગાડવાની સાથોસાથ સોશ્યલ મીડિયા પર પણ એનો પ્રચાર કરવામાં આવ્યો. સુરતના ટ્રાફિક ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રશાંત સુમ્બેએ કહ્યું કે ‘લોકોની ભાવનાને ક્યાંય હાનિ પહોંચાડ્યા વિના પણ અમારે જે સંદેશો આપવાનો હતો એ સંદેશો ‘ખેલીએ ઘરબા’ કૅમ્પેન દ્વારા અમે આપીએ છીએ. અત્યારના તબક્કે જરા પણ લાપરવાહી ચલાવી શકાય એમ નથી. કોરોના-સંક્રમણ આજ સુધી કાબૂમાં રહ્યું છે, પણ હવે તહેવારોમાં એ કન્ટ્રોલ છોડે નહીં એ પણ આવશ્યક છે. ‘ઘરબા’નો સંદેશ સૌકોઈ સુધી પહોંચ્યો અને એને લીધે લોકોએ પણ સ્વૈચ્છિક રીતે પોતપોતાના ઘરમાં જ ગરબા રમવાનું નક્કી કરવાનું શરૂ કરી દીધું છે, જેની અમને ખુશી છે.’

આ અગાઉ સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કરવામાં આવેલા કૅમ્પેનને અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર-અકાઉન્ટ પર મૂક્યું હતું. લૉકડાઉન સમયે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને એ સંદર્ભનું કૅમ્પેન કર્યું હતું કે ‘મંદિરે જવાની જરૂર નથી. કારણ કે બધા ભગવાન અત્યારે હૉસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. બિગ બીએ એ હોર્ડિંગનો ફોટો પોતાના ટ્વિટર-હૅન્ડલ પર અપલોડ કર્યો હતો.

gujarat surat coronavirus covid19 Rashmin Shah navratri