ભરૂચમાં નર્મદા નદીનાં પાણી ડેન્જર: લેવલથીય 9 ફૂટ ઉપરથી વહી રહ્યાં છે

01 September, 2020 11:37 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ભરૂચમાં નર્મદા નદીનાં પાણી ડેન્જર: લેવલથીય 9 ફૂટ ઉપરથી વહી રહ્યાં છે

સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવી રહેલુ પાણી.

ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતમાં આવેલા સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ગઇ કાલે પણ મોટી માત્રામાં પાણી છોડાતાં નર્મદા નદીના પૂરનાં ધસમસતા પાણી કાંઠા વિસ્તારના અનેક ગામોમાં ફરી વળ્યાં હતા. તેમાં પણ ગઇ કાલે ભરૂચ ગૉલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનું પાણી ભયજનક સપાટીથી ૯ ફુટથી ઉપર વહી રહ્યાં હતા. પૂરનાં પાણી ભરૂચ શહેરના કેટલાક વિસ્તારોમાં ફરી વળ્યાં હતા એટલુ જ નહીં પરંતુ ભરૂચ જિલ્લાના ૩૦ ગામો અસરગ્રસ્ત થયા છે અને ૫ હજારથી વધુ નાગરીકોનું સ્થળાંતર અને રેસ્ક્યુ કરાયાં છે.

નર્મદા ફ્લડ સેલમાંથી ‘મિડ-ડે’ને મળેલી માહિતી પ્રમાણે ગઇકાલે સાંજે સાત વાગ્યે સરદાર સરોવર નર્મદા ડેમમાં ૧૨,૦૫,૮૮૯ ક્યુસેક પાણીની આવક હતી. પાણીની મોટી માત્રામાં આવક થતા ડેમની સપાટી ૧૩૨.૯૯ મીટરે પહોંચી હતી. પાણીની ભારે આવકના પગલે ડેમના ૨૩ દરવાજા ખોલીને ૧૦,૨૩,૧૭૬ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી કેવડીયાથી લઇને ઝઘડીયા સુધીના કાંઠા વિસ્તારોમાં નર્મદાનાં પૂરનાં પાણી ફરી વળ્યાં હતા. નર્મદા નદીનાં પૂરનાં પાણી ભરૂચ પાસેના બોરભાઠા અને તવરા ગામમાં ઘૂસ્યા હતા તેમાં તવરા ગામેથી માણસોની સાથે બકરાઓનું પણ રેસ્કયુ કરાયું હતું. બીજી તરફ નર્મદાનાં પૂરનાં પાણી ભરૂચના ફુરજા વિસ્તાર, દાંડીયાબજાર, ધોળીકુઇમાં ભરાયા હતા.

બીજી તરફ ગઇકાલે અમદાવાદમાં દિવસ દરમ્યાન બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. શહેરના સરખેજ વિસ્તારમાં ૪ ઇંચ જ્યારે ચકુડીયા, પાલડી, વીરાટનગર, દાણાપીઠ વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે અમદાવાદના અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા.વરસાદના પગલે ૧૦ વૃક્ષ ઉખડી પડ્યાં હતા.

gujarat bharuch Gujarat Rains shailesh nayak ahmedabad