બનાસકાંઠા, હિંમતનગર અને સાબરકાંઠામાં ભારે વરસાદ

09 August, 2022 09:54 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

વરસાદના પગલે ડીસા માર્કેટ યાર્ડમાં હરાજી બંધ રખાઈ, હિંમતનગરમાં પાલિકા રોડ, પાણપુર, મોતીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં, યાત્રાધામ અંબાજીની બજારોમાં વરસાદનાં પાણી ફરી વળ્યાં

ગઈ કાલે ભારે વરસાદ કારણે હિંમતનગરના ઘણા વિસ્તારોમાં વરસાદનાં પાણી ભરાઈ ગયાં હતાં

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા પર ગઈ કાલે મેઘ મન મૂકીને વરસ્યો હતો. હિંમતનગરમાં સવારે ૮થી ૧૦ વાગ્યાના બે કલાકમાં સવાત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે લાખણીમાં બે કલાકમાં બે ઇંચ, દાંતીવાડામાં અઢી ઇંચ, ડીસામાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ઉત્તર ગુજરાતમાં સામાન્ય જનજીવનને અસર પહોંચી હતી.

ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૦૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામમાં ચાર ઇંચ જેટલો, જ્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં સવાત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. હિંમતનગરમાં પાલીકા રોડ, પાણપુર, મોતીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદનાં પાણી ભરાઈ જતાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. બીજી તરફ યાત્રાધામ અંબાજીની બજારોમાં વરસાદનાં પાણી ફરી વળ્યાં હતાં. વરસાદના પગલે ડીસા માર્કેટ યાર્ડમાં હરાજી બંધ રખાઈ હતી. ઉત્તર ગુજરાતમાં પડેલા વરસાદના પગલે હાથમતી નદીમાં નવાં પાણી આવ્યાં હતાં તો વડગામ પાસેનો પાણીયારી ધોધ જીવંત બનતાં લોકો એને જોવા ઊમટી પડ્યા હતા.

આ ઉપરાંત વલસાડ જિલ્લાના વલસાડ, વાપી અને પારડી જ્યારે સાબરકાંઠાના વડાલી, મહેસાણાના ખેરાલુ અને બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સંતરામપુર, ઊંઝા, ઝાલોદ, ચોર્યાસી, સંજેલી, પાલનપુર, ભીલોડા, મેઘરજ, સીંગવડ, દાહોદ, સુત્રાપાડા, મોરવા હડફ, તલાલા, વડનગર, પોશીન સહિતના તાલુકાઓમાં ઓછા-વત્તા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો.

gujarat gujarat news Gujarat Rains Weather Update