સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદથી તારાજી

25 August, 2020 11:18 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદથી તારાજી

કચ્છના હાર્દ સમા ભુજમાં આવેલા ઐતિહાસિક હમીરસર તળાવ વરસાદી પાણીથી ભરાઇ ગયું છે અને છલકાવાની તૈયારીમાં છે.

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં જાણે કે આફતનો વરસાદ અવિરત ચાલુ રહેવા પામ્યો છે.ગઇકાલે પણ સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૨૩૩ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો જેમાં કચ્છ જિલ્લાના અબડાસા અને રાજકોટ જિલ્લાના ગોંડલમાં ૭ ઇંચથી વધુ ધોધમાર વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના પગલે નદીઓમાં પૂર આવતા મોરબી જિલ્લામાં પાંચ વ્યક્તિઓ તણાઇ ગઇ હતી, જ્યારે એક મહિલા સહિત બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા.

મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રાયસંગપરા ગામમાં રહેતો ૧૭ વર્ષનો અશ્વિન દલવાડી ગઇ કાલે સવારે તેના પિતા નારણભાઇ સાથે ગુજકેટની પરીક્ષા આપવા નિકળ્યો હતો. હળવદ જતા રસ્તામાં આવતા મોટા વોકળામાંથી પસાર થતા પુત્ર તણાયો હતો તેને બચાવવા જતા પિતા પણ તણાઇ ગયા હતા.

ગઇકાલે રાજકોટ, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, દેવભુમિ દ્વારકા, અમરેલી, જામનગર, પાટણ, સુરત જિલ્લામાં ભારે વરસાદથી આફત સર્જાઇ હતી.ગોંડલમાં ૭ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જેમાં ૪ કલાકમાં ૫ ઇંચ વરસાદ પડ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં સાડા છ ઇંચ, જામનગર જીલ્લાના જામજોધપુરમાં પાંચ ઇંચથી વધુ, કચ્છના લખપતમાં પાંચ ઇંચ, રાજકોટ જિલ્લાના ધોરાજી અને પાટણના સાંતલપુર તાલુકામાં ૪ ઇંચ વરસાદ પડ્યો હતો.

કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે કચ્છ જીલ્લો તરબતર થઇ ગયો છે.કચ્છના મુખ્ય શહેર ભુજમાં ગઇકાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.તેમાં પણ સવારે ૬ થી ૮ વાગ્યા દરમ્યાન બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. ભુજમાં પડી રહેલા વરસાદથી ઐતિહાસિક હમીરસર તળાવ ભરાઇ ગયું છે અને છલકાવાની તૈયારીમાં છે.

gujarat Gujarat Rains saurashtra kutch ahmedabad gandhinagar shailesh nayak