સુરત અને તાપી જિલ્લામાં મેઘરાજા વરસી પડ્યા

16 August, 2022 10:11 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

વ્યારામાં પોણાછ ઇંચ જેટલો, જ્યારે સુરત જિલ્લાના બારડોલી, ઉમરપાડામાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો: શહેરમાં પણ બે ઇંચ વરસાદ

માંડવી તાલુકામાં આવેલા આમલી ડૅમના છ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું

દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લામાં ગઈ કાલે જાણે કે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં પોણાછ ઇંચ, જ્યારે ડોલવણ તાલુકા તેમ જ સુરત જિલ્લાના બારડોલી, ઉમરપાડામાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

ભારે વરસાદને કારણે સુરત જિલ્લાના માંડવી તાલુકાના આમલી ડૅમમાંથી પાણી છોડાયું હતું અને હેઠવાસનાં ગામોને અલર્ટ કરાયાં હતાં.

ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૨૦૦ તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો, જેમાં સુરત શહેરમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. દિવસ દરમ્યાન સુરત શહેરમાં ધીમીધારે વરસાદ પડયો હતો. આ ઉપરાંત સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ચાર ઇંચ, પલસાણા તાલુકામાં ત્રણ ઇંચથી વધુ, મહુવા તાલુકામાં ત્રણ ઇંચ અને માંગરોળ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. તાપી જિલ્લામાં સોનગઢ તાલુકામાં ત્રણ ઇંચ, વાલોડ તાલુકામાં પોણાત્રણ ઇંચ, ઉચ્ચછલ તાલુકામાં બે ઇંચથી વધુ અને નિઝર તાલુકામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ, ડાંગના સુબીર તાલુકામાં અઢી ઇંચ, આહવા તેમ જ નવસારી, મહેસાણાના સતલાસણા અને વલસાડ જિલ્લાના ધરમપુરમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં વહેર નદીમાં પાણી આવતાં લો લેવલ કોઝ વે પાણીમાં ગરકાવ થયો હતો.

ભારે વરસાદને કારણે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આમલી ડૅમના છ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું. ડૅમમાંથી પાણી છોડાતાં હેઠવાસનાં ૨૨ ગામોને અલર્ટ કરાયાં હતાં. આ ઉપરાંત સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદના કારણે વહેર નદીમાં પાણી આવતાં લો લેવલ કોઝ વે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

ગુજરાતમાં ખંભાળિયા, સિહોર, ધોળકા, રાજકોટ, વડગામ, દસક્રોઈ, ધોલેરા, પારડી, વાપી, સાગબારા, ચોર્યાસી, રાજુલા, કપરાડા, મોડાસા, વાગરા, કુકરમુંડા, ડેડિયાપાડા, અંજાર અને ધાનેરા તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

gujarat gujarat news Gujarat Rains