સૅનિટરી નૅપ્કિન-ડાઇપર બનાવતી સાણંદની યુનિચાર્મ કંપનીમાં ભયંકર આગ

25 June, 2020 11:29 AM IST  |  Ahmedabad | Agencies

સૅનિટરી નૅપ્કિન-ડાઇપર બનાવતી સાણંદની યુનિચાર્મ કંપનીમાં ભયંકર આગ

વિકાસનો આવો ધુમાડો : સાણંદમાં જીઆઈડીસીમાં આવેલી યુનિચાર્મ કંપનીમાં લાગેલી ભયંકર આગને કારણે ભારે નુકસાન થયું હતું અને અગ્નિશમન દળનાં અનેક વાહનોને ઘટનાસ્થળે રવાના કરાયાં હતાં. તસવીર : પી.ટીઆઈ.

સાણંદ જીઆઇડીસી ખાતે આવેલી તેમ જ સૅનિટરી પ્રોડક્ટના ઉત્પાદનમાં મોટું નામ ધરાવતી યુનિચાર્મ કંપનીમાં ગઈ કાલ સવારથી લાગેલી આગ મોડી રાત સુધી કાબૂમાં નહોતી આવી. યુનિચાર્મ ઇન્ડિયા એ જપાનની યુનિચાર્મ કૉર્પોરેશનની ભારતીય પાંખ છે. ફાયરની ૩૬ ગાડી પાણીનો મારો ચલાવી રહી હોવા છતાં આગ પર કાબૂ નહોતો મેળવી શકાયો. ભારતે જપાની કંપની સાથે એમઓયુ કર્યા હતા એ અંતર્ગત કંપનીએ અહીં પ્લાન્ટ સ્થાપ્યો હતો. આ કંપની અનેક કંપનીને માલ પૂરો પાડતી હોવાનું માલૂમ પડ્યું છે. યુનિચાર્મ કંપનીમાં વહેલી સવારે શિફ્ટ શરૂ થવાની હતી ત્યારે આગ લાગી હતી. આ કંપની સૅનિટરી નૅપ્કિન અને ડાઇપર બનાવતી હોવાનું માલૂમ પડ્યું છે, જેના કારણે આગ વધારે પ્રસરી હતી. આ ઉપરાંત બપોરની આસપાસ પવને પણ થોડી ઝડપ પકડી લેતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પવન ફૂંકાતાં આખી કંપનીમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. કંપનીમાં આગ એટલી વિકરાળ છે કે સાણંદથી ૧૦ કિલોમીટર દૂરના અંતરે આવેલા ઘુમા અને બોપલથી પણ આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોઈ શકાતા હતા. આ મામલે જીઆઇડીસી પ્રમુખ ગણપતભાઈ સેંધવાએ જણાવ્યું હતું કે ‘અહીં ફાયર-સ્ટેશન બનાવવાની ચારેક વર્ષથી માગ કરવામાં આવી છે, પરંતુ પૂર્ણ નથી થઈ. આ કંપનીમાં આગ લાગી ત્યારે શિફ્ટ ચાલુ થવાની હતી, જેના લીધે જાનહાનિ નથી થઈ. આ એક મલ્ટિનૅશનલ જપાનની કંપની છે જે ડાઇપર બનાવવાનું કામ કરે છે.’ 

gujarat ahmedabad